Amul Milk price Rise : અમૂલે ગુજરાત (Gujarat) સિવાય ભારતના તમામ રાજ્યોમાં દૂધના ભાવ (Milk Price) માં વધારો કર્યો છે. અમૂલ કંપનીએ આ વર્ષમાં ત્રણ વખત તેની કિંમતોમાં વધારો કર્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી સોઢીએ માહિતી આપી હતી કે, ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં દૂધના ભાવમાં વધારો નહીં કરવાને લઈને લોકો વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે.
અમૂલે ભાવ વધાર્યા
અમૂલે દૂધના ભાવમાં વધારા અંગે માહિતી આપી. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે નવી કિંમતો આજથી એટલે કે 15 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફુલ ક્રીમ દૂધ હવે દિલ્હીમાં 61 રૂપિયાની જગ્યાએ 63 રૂપિયામાં મળશે. વધતી મોંઘવારીની વચ્ચે લોકો દૂધના ભાવ વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ભાવ વધારાનું કારણ જણાવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, પશુઓના ચારાના ભાવમાં વધારો થવાને કારણે દૂધના ભાવમાં વધારો થયો હશે.
લોકોએ આ રીતે ચૂટકી લીધી
સિદ્ધાર્થ નામના એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી છે કે, ભયનું વાતાવરણ છે. અજિત કુમાર નામના યુઝર્સે લખ્યું છે કે – અમૂલે પોતાની રચનાત્મક જાહેરાત સાથે આ બાબતને યોગ્ય ઠેરવવા આવવું જોઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી. આદિત્ય શુભમ નામના યુઝરે પૂછ્યું- ચૂંટણી તો હિમાચલમાં પણ છે પણ ગુજરાતમાં જ ભાવ નથી વધ્યા, આવુ કેમ?
અમિત નામના યુઝરે ટોણો મારતા લખ્યું કે, ફુલ ક્રીમ દૂધ પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, તેથી આ નિર્ણય ઘણો સારો છે. પારુલ નામની યુઝરે ટિપ્પણી કરી – ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને કારણે કેન્દ્ર સરકારમાં ભયનું વાતાવરણ છે. શુભ નામના યુઝરે લખ્યું છે કે, હાલમાં ચૂંટણી છે તો ગુજરાતની જનતાને ફાયદો થયો છે. વિનય ભટ્ટ નામના યુઝરે લખ્યું, ‘ડિસેમ્બર સુધી તો ગુજરાતના લોકોને આરામ મળશે જ.’
આ પણ વાંચો – દિવાળી પહેલા જ મોંઘવારીનો વધુ એક ફટકો, અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયા વધાર્યા, ગુજરાતમાં શું થશે અસર?
મધર ડેરીએ પણ ભાવ વધાર્યા
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે, તો મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધર ડેરીએ કહ્યું કે, રવિવાર, 16 ઓક્ટોબરથી ફુલ ક્રીમ અને ગાયના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડેરી ઉદ્યોગ કાચા દૂધના ભાવમાં સતત વધારો અનુભવી રહ્યો છે.