અનંત અંબાણી પ્રથમ એશિયન ગ્લોબલ હ્યુમિનેટરીયન એવોર્ડથી સન્માનિત

વનતારા સ્થાપક અનંત અંબાણી એ સૌથી યુવા અને પ્રથમ એશિયન ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ પ્રાપ્ત કરવાનું ગૌરવ મેળવ્યું છે.

Written by Haresh Suthar
December 09, 2025 14:23 IST
અનંત અંબાણી પ્રથમ એશિયન ગ્લોબલ હ્યુમિનેટરીયન એવોર્ડથી સન્માનિત
અનંત અંબાણી પ્રથમ એશિયન ગ્લોબલ હ્યુમિનેટરીયન એવોર્ડથી સન્માનિત

Anant Ambani Vantara: વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વનતારા શરુ કરી એક અનોખી પહેલ કરનાર અનંત અંબાણી ગ્લોબલ હ્યુમેન સોસાયટી દ્વારા ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ 2025 થી સન્માનિત કરાયા છે. પ્રતિષ્ઠિત આ એવોર્ડ મેળવનાર તે સૌથી યુવા પ્રથમ એશિયન બન્યા છે. સંસ્થાના સીઇઓ દ્વારા તેમને વોશિંગ્ટન ખાતે આ એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને લોકો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી છે.

અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમેન સોસાયટી દ્વારા વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત કરાયો છે. અનંત અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વન્યજીવન સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ આગેવાનોને એક મંચ પર સાથે લાવનાર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરાયો હતો.

પ્રાણી કલ્યાણ અને સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં સૌથી અગ્રણી વૈશ્વિક પ્રતિષ્ઠિત આ એવોર્ડ અનંત અંબાણીના વાસ્તવિક પુરાવા આધારિત કલ્યાણ કાર્યક્રમો, વિજ્ઞાન આધારિત સંરક્ષણની પહેલો અને વિશ્વભરમાં વિલુપ્તીની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોમાં તેમની આગેવાનીને બિરદાવે છે.

અનંત અંબાણીએ નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો

ગ્લોબલ હ્યુમેન સોસાયટીના પ્રમુખ અને સીઇઓ ડો. રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું હતું કે, વનતારાને ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ સન્માન મળવું એ સંભાળ લેવાના મામલે શ્રેષ્ઠતા માત્ર જ નહીં, પરંતુ દરેક પ્રાણીને ગૌરવ, ઉપચાર અને જીવવાની આશા આપવા પ્રત્યેનું ઊંડું સમર્પણ દર્શાવે છે. અને આ દૃષ્ટિકોણ માટે અનંત અંબાણી કરતાં કોઈ મહાન ચેમ્પિયન નથી, જેમના નેતૃત્વએ આ કાર્યમાં કરુણા માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વનતારા વિશ્વમાં ગમે ત્યાં પ્રાણી કલ્યાણ માટેની સૌથી અસાધારણ પ્રતિબદ્ધતા રજૂ કરે છે. તે માત્ર એક બચાવ કેન્દ્ર નથી, પરંતુ તે ઉપચારનું એક અભયારણ્ય છે. વનતારા પાછળની મહત્વાકાંક્ષા, વ્યાપતા અને કોમળ હૃદયે આધુનિક પ્રાણી કલ્યાણનું કામ કેવું હોઈ શકે તેના માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.

તમામ જીવોનું કલ્યાણ એ જ મારુ કાર્ય – અનંત અંબાણી

વનતારાના સ્થાપક અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, હું આ સન્માન માટે ગ્લોબલ હ્યુમેન સોસાયટીનો આભાર માનું છું. મારા માટે એક શાશ્વત સિદ્ધાંત ‘સર્વ ભૂતા હિતા’ એટલે કે, ‘તમામ જીવોનું કલ્યાણ’ ને મારું કાર્ય પુનઃ સમર્થન આપે છે. પ્રાણીઓ આપણને સંતુલન, નમ્રતા અને વિશ્વાસ શીખવે છે. વનતારા થકી અમારો ઉદ્દેશ્ય છે કે સેવા ભાવનાથી માર્ગદર્શન મેળવીને, દરેક જીવને ગૌરવ, સંભાળ અને આશા પ્રદાન કરીએ. સંરક્ષણ આવતીકાલ માટે નથી; તે એક સહિયારો ધર્મ છે જેનું આપણે આજે જ પાલન કરવું જોઈએ.

અમેરિકન પ્રમુખ સહિત આ એવોર્ડથી સન્માનિત છે

વર્ષોથી ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ માત્ર અમુક પસંદગીના વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવ્યો છે. એવા દૂરંદેશી આગેવાનો જેમનું હૃદય, નેતૃત્વ અને દૃઢ નિશ્ચય પ્રાણી કલ્યાણ અને સંરક્ષણના પરિદૃશ્યને નવો આકાર આપવામાં મદદરૂપ થયા હોય. ભૂતકાળના સન્માનિત મહાનુભાવોમાં શર્લી મેકલેન, જ્હોન વેઇન અને બેટી વ્હાઇટ જેવી હોલીવુડની દંતકથા સમાન હસ્તીઓ, તેમજ અમેરિકી પ્રમુખો જ્હોન એફ. કેનેડી અને બિલ ક્લિન્ટન જેવા અગ્રણી રાજકીય નેતાઓ અને પ્રાણીઓ માટેના વૈશ્વિક ચેમ્પિયનોનો સમાવેશ થાય છે, જેમનો પ્રભાવ સરહદોથી પર રહ્યો છે.

હ્યુમેન સોસાયટી 150 વર્ષોથી સમર્પિત સંસ્થા

વર્ષ 1877માં સ્થપાયેલી અમેરિકન હ્યુમેન સોસાયટી લગભગ 150 વર્ષથી પશુ કલ્યાણ માટે સમર્પિત છે અને હ્યુમેન મૂવમેન્ટમાં આવનારી લગભગ દરેક મોટી પ્રગતિમાં મોખરે રહી છે. 2010માં પ્રમુખ અને સીઇઓ તરીકે તેમની નિમણૂક થઈ ત્યારથી ડો. રોબિન ગાન્ઝર્ટે ઐતિહાસિક એવી બિન-લાભકારી સંસ્થામાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તનકારી ફેરફારોનું નેતૃત્વ કર્યું છે, જે પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરતા નવીન, જીવન બદલનારા અને જીવન બચાવનારા કાર્યક્રમો થકી વિશ્વભરના અબજો પ્રાણીઓના જીવનને સીધી અસર કરી રહ્યા છે.

વનતારા આ કાર્યો માટે જાણીતું

વનતારાને અનન્ય બનાવતી બાબત એ છે કે તે પ્રાણીના કુદરતી નિવાસસ્થાનની બહાર પૂરી પાડવામાં આવતી સહાયને મૂળ ઇકોસિસ્ટમની અંદર કરવામાં આવતા પ્રયત્નો સાથે સંકલિત કરે છે,

  • જે વન્યજીવ સંરક્ષણ માટે લાંબા ગાળાનો, વિજ્ઞાન આધારિત માર્ગ તૈયાર કરે છે.
  • વિલુપ્તિની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ, ઘટતી જતી વસ્તીને પુનઃસ્થાપિત કરવા પ્રયાસ
  • સંકટગ્રસ્ત તથા જંગલમાં લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં પુનઃપ્રવેશ
  • પ્રાણીઓ માટે ઉપયોગી વિજ્ઞાન આધારિત કાર્યક્રમોને આગળ વધારવા
  • સંશોધન, પુનઃસ્થાપન પહેલ અને સહયોગી સંરક્ષણ ભાગીદારી. વૈશ્વિક જૈવવિવિધતામાં યોગદાન
  • આવનારી પેઢીઓ માટે પ્રજાતિઓના અસ્તિત્વને સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક વન્યજીવ સંરક્ષણના અગ્રણી મહાનુભાવોએ ભાગ લીધો હતો, ભારતના કેટલાક જાણીતા સંરક્ષણ નિષ્ણાતો ડો. નીલમ ખૈરે, ડો. વી.બી. પ્રકાશ અને ડો. કે.કે. સરમાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: 3000 એકરમાં પથરાયેલ વનતારા વિશે જાણો

ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ અનંત અંબાણીની વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાની સ્થાપનામાં તેમની દીર્ઘદૃષ્ટિવાળી આગેવાની માટે પસંદગી કરી છે, જેમણે મોટા પાયે બચાવ, પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણની શક્યતાઓને ફરીથી આલેખી છે. પશુ કલ્યાણ માટેની તેમની કરુણા, ઉત્કટતા અને અનન્ય સમર્પણ તેમને ભૂતકાળના સન્માનિત મહાનુભાવોની વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન આપે છે અને તેમનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંરક્ષણના ભવિષ્યને આકાર આપી રહ્યું છે.

એવોર્ડ માટે શું ચકાસણી થાય છે?

ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડના કાર્યક્રમો વિશ્વભરમાં પ્રાણી કલ્યાણના સૌથી સઘન અને સાર્થક પ્રમાણપત્રોમાંના એક છે. ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ બનવા માટે વનતારાએ પ્રાણી કલ્યાણ, વર્તણૂક વિજ્ઞાન, પશુ ચિકિત્સા, પ્રાણીશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના વિશ્વસ્તરના અગ્રણી નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલું વ્યાપક અને સ્વતંત્ર ઓડિટ પૂર્ણ કર્યું હતું.

આ પ્રક્રિયામાં પોષણ, પાણીની પહોંચ, સલામતી, સમૃદ્ધિ અને કર્મચારીઓની તાલીમથી લઈને પ્રજાતિ-વિશિષ્ટની જરૂરિયાતો, લાઇટિંગની ઉપલબ્ધતા, પર્યાવરણીય ગુણવત્તા, તબીબી સંભાળ અને કુદરતી વર્તન માટેની અનુકૂળતા સુધીના પશુ કલ્યાણ સૂચકાંકોની વિશાળ શ્રેણીની તપાસ કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ