/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Ankleshwar-Board-Exam-Hijab-Controversy.jpg)
અંકલેશ્વર બોર્ડની પરીક્ષામાં મુસ્લીમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવાનો વિવાદ (પ્રતિકાત્મક તસવીર)
Ankleshwar Exam Hijab Controversy : ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે. જ્યારે અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન મુસ્લીમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવા બાબતે વિવાદ સર્જાયો છે. વાલીઓએ આ મામલે વિરોધ નોંધાવી ગેરવર્તણૂક બાબતે યોગ્ય પગલા લેવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
અંકલેશ્વર બોર્ડ પરીક્ષા મુસ્લીમ વિદ્યાર્થીનીઓને હિજાબ કઢાવવાનો વિવાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં મુસ્લીમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવા બાબતે વિવાદ સર્જાયો છે. વાલીઓનું ટોળુ સ્કૂલે ઘસી આવ્યું હતુ અને વિરોધ નોંધાવ્યો હતો.
શું છે મામલો?
ગુજરાતના અંકલેશ્વરમાં એક શાળાના ધોરણ 10 બોર્ડ પરીક્ષા નિરીક્ષકને ગુરુવારે શાળામાંથી પરીક્ષા કામગીરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, કારણ કે તેણે બુધવારે ગણિતની પરીક્ષા દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબ દૂર કરવાની કથિત રીતે નિરીક્ષકોને સૂચના આપી હતી.
તમને જણાવી દઈએ કે, ગુરુવારે, મુસ્લિમ સમાજના સભ્યો તેમજ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ વિરોધમાં શાળામાં એકઠા થયા હતા અને ભરૂચ ડીઇઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. એક વિદ્યાર્થીના પિતા, જેમણે DEO પાસે ફરિયાદ નોંધાવી છે, તેમણે જણાવ્યું હતું કે, "એક ધર્મની વિદ્યાર્થીનીઓને અલગ રાખવામાં આવી હતી અને તેમને ગુનેગારો જેવી લાગણી કરાવવામાં આવી હતી. શાળા આવા ભેદભાવપૂર્ણ વર્તન માટે શિસ્તબદ્ધ પગલાંને પાત્ર છે."
મુસ્લીમ વાલીઓનો શું આક્ષેપ છે?
અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લીમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવ્યા બાદ વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા આ રીતે ગેરવર્તણૂકના કારણે અમારી દીકરીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, વાલીએ કહ્યું કે, અમારી દીકરીઓ જાણે ગુનેગાર હોય તેવું ગેરવર્તણૂક કરવામાં આવી રહ્યું છે. અમે શિક્ષણ વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરીશું. આ સિવાય કેટલાક મુસ્લીમ વાલીઓએ સ્કૂલ સંચાલક વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાનુ અને પ્રિન્સીપાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ કરી છે.
અંકલેશ્વર લાયન્સ સ્કૂલે શું કહ્યું?
અંકલેશ્વર બોર્ડ પરીક્ષામાં લાયન્સ સ્કૂલમાં વિવાદ સામે આવ્યા બાદ સ્કૂલ સંચાલકે મીડિયાને જણાવ્યું કે, આ નિર્ણય સ્કૂલનો ન હતો. બોર્ડ પરીક્ષા સુપરવાઈઝરના આદેશ પર હિઝાબ કઢાવવાની સૂચના આપવામાં આવી હતી. શાળા સંચાલકે મીડિયાને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં 80 ટકા ચહેરો સીસીટીવીમાં દેખાવો જોઈએ એવો આદેશ પણ છે. પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી ચોરી કરતું હોય તો તેનો ચહેરો દેખાવો જોઈએ, તથા ઓળખ પ્રક્રિયા પણ જરૂરી છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાલી દ્વારા લાયન્સ સ્કૂલમાં દીકરીનો હિજાબ કઢાવવા બાબતે જાણ કરી છે, આ મામલે તપાસ અધિકારી દ્વારા આજની બોર્ડની પરીક્ષા પુરી થયા બાદ સ્કૂલ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે, સાથે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવા સહિતની કાર્યવાહી બાદ કાયદા અનુસાર યોગ્ય પગલા લેવામાં આવશે.
જિલ્લા શિક્ષણ વિભાગે શું કહ્યું?
ગુજરત બોર્ડ દ્વારા આજે ધોરણ 10 ની ગણિત વિષયની પરીક્ષા હતી, જેમાં હિજાબ કઢાવવા બાબતે એક વાલીએ જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) એ કહ્યું કે, વાલીની ફરિયાદ બાદ અમે શાળાના બોર્ડ પરીક્ષા નિરીક્ષક પરીક્ષા કામગીરીમાંથી હટાવ્યા છે. પરિયાદ બાદ અમે સીસીટીવી ફૂટેજ પણ તપાસ કર્યા છે, જેમાં બે સુપરવાઈઝર અને એક સહાયક વર્ગખંડની આસપાસ જઈ હિજાબ એકઠા કરતા દેખાય છે.
ડીઈઓ સ્વાતી રાઉલજીએ વધુમાં કહ્યું કે, શિક્ષણ બોર્ડની માર્ગદર્શિકામાં બોર્ડની પરીક્ષામાં બેસતી વખતે કોઇપણ પ્રકારના પોશાક પર ખાસ પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ નથી. “વિદ્યાર્થીઓના પોશાકમાં કોઈ પ્રતિબંધનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી અને તેથી, એકવાર ઓળખ ખરાઈ થઈ ગયા પછી, વિદ્યાર્થીઓને તેમની પસંદગીના કપડાં પહેરવાની અને પરીક્ષામાં હાજર રહેવાની છૂટ છે. તેથી, અમને મળેલી ફરિયાદની અમે નોંધ લીધી છે અને તપાસનો આદેશ આપ્યો છે”.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us