દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે, ભાજપે તેમને ઓફર કરી છે કે જો ગુજરાત ચૂંટણી નહીં આવો તો સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને છોડી દેવામાં આવશે અને તેમના કેસ બંધ કરી દેવામાં આવશે. તો, અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં MCD ચૂંટણીની તારીખોને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપ ડરી ગઈ છે.
અરવિંદ કેજરીવાલે ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરતા દાવો કર્યો કે, “જ્યારે મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટી છોડીને દિલ્હીના મુખ્યમંત્રી બનવાની તેમની ઓફરને ફગાવી દીધી, ત્યારે તેમણે (ભાજપ) મારો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે જો તમે ગુજરાત છોડી દો અને ચૂંટણી ન લડો તો અમે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બંનેને મુક્ત કરી દઈશું અને તેમના પરના તમામ આરોપો હટાવી દઈશું.
અરવિંદ કેજરીવાલના દાવા પર એન્કરે તેમને પૂછ્યું કે, તમને કોણે ઓફર કરી હતી? આ સવાલ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું કોઈનું નામ કેવી રીતે લઈ શકું. તેમના દ્વારા આ ઓફર આવી છે. જુઓ તે (ભાજપ) ક્યારેય સીધો સંપર્ક નથી કરતુ. તેઓ એક મિત્રથી બીજા મિત્ર પાસે જઈ સંદેશ તમારા સુધી પહોંચાડે છે.”
MCD ચૂંટણીની તારીખો અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્હી અને ગુજરાતમાં MCD ચૂંટણીઓ એકસાથે કરવાથી એ નથી દેખાતું કે કેજરીવાલને ઘેરી લેવામાં આવ્યા છે? આ એ દર્શાવે છે કે ભાજપ ડરી ગઈ છે. જો તેને બંને સ્થાનો પર જીતવાનો વિશ્વાસ હોત તો તેમણે આ વાતનો આગ્રહ ન રાખ્યો હોત. હકીકત એ છે કે ભાજપને ડર છે કે, તેઓ ગુજરાત અને દિલ્હી એમસીડી ચૂંટણીમાં હારી જશે, તેથી તેમણે ખાતરી કરી છે કે, બંને ચૂંટણી એક જ સમયે યોજાય.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આમ આદમી પાર્ટી OTP થકી ચૂંટણી જીતશે? અરવિંદ કેજરીવાલે જણાવ્યો પ્લાન
અરવિંદ કેજરીવાલે ભવિષ્યવાણી કરી હતી કે, ગુજરાતમાં આગામી સરકાર આમ આદમી પાર્ટી બનાવશે. તેમણે કહ્યું કે વિપક્ષ કોંગ્રેસને 182 સભ્યોની વિધાનસભામાં પાંચથી પણ ઓછી બેઠકો મળશે. તેમણે કહ્યું, “આમ આદમી પાર્ટી પહેલાથી જ કોંગ્રેસથી આગળ છે અને આગામી એક મહિનામાં તે ભાજપને પણ પાછળ છોડી દેશે. અમે ગુજરાતમાં સરકાર બનાવીશું.