દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ગુજરાત આગમન પહેલા વડોદરામાં આપના કાર્યકર્તાઓ અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ હતી. આપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, ભાજપ દ્વારા બેનરોમાં તોડફોડ કરી મારામારી કરી અને કોઈ કાર્યક્રમ ન થાય તે માટે ગુંડાગર્દી સાથે દાદાગીરી કરી ધમાલ મચાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં આજે કેજરીવાલનો રોડ શો થાય તે પહેલા આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ, જેમાં આપના બેનરોમાં તોડફોડ કરી આપના કાર્યકર્તાઓ સાથે હાથાપાઈ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો, આ ઘટના બાદ મામલો તંગ બન્યો હતો, મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને મામલો હાથ પર લઈ લીધો હતો.
સ્થળ પર હાજર આપ કાર્યકર્તાએ કહ્યું કે, ‘ભાજપ બોખલાઈ ગઈ છે, અમારા કાર્યકર્તાઓને માર મારી રહી છે, પોસ્ટર-બેનરો ફાડી રહી છે. અને અરવિંદ કેજરીવાલના આગમન પહેલા માહોલ ડહોળવાની કોશિસ કરી રહી છે. અમે ક્યારે પણ ભાજપના કાર્યક્રમમાં જઈ આ રીતે ધમાલ બચાવી હોય તેવો એક પણ વીડિયો અમને બતાવો.’
ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું
ગુજરાત આપ નેતા ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી કહ્યું કે, આમ આદમી પાર્ટીથી એટલો ડર લાગ્યો છે કે, હવે ભ્રષ્ટ ભાજપીઓ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે. વડોદરામાં કેજરીવાલના આવતા પહેલા રેલીની જગ્યાએ ભાજપના ગુંડાઓ હાથમાં દંડા લઈને પોલીસની હાજરીમાં જ મારામારી કરી રહ્યા છે. આ વખતે ભાજપ હારે છે, જનતા જીતશે.
શું છે મામલો
ભાજપ દ્વારા નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

શું છે અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવારે બપોરે દાહોદ જિલ્લાની નવજીવન કોલેજ પરિસરમાં એક વિશાળ જનસભાને સંબોધશે. જનસભા બાદ બંને નેતાઓ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલે દાહોદમાં શું કહ્યું
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવારે બપોરે દાહોદ જિલ્લાની નવજીવન કોલેજ પરિસરમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, જનતા પરિવર્તન માંગે છે ! એટલે ભાજપ ડરી ગઈ છે અને નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવી છે ! જનતાને વિનંતી કે આ વખતે ભાજપની કોઈ ચાલમાં ફસાતા નહીંજનસભા બાદ બંને નેતાઓ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઈને ખૂબ જ સક્રિય જોવા મળે છે અને તેઓ દર 10 દિવસમાં લગભગ એક વખત ગુજરાતની મુલાકાતે આવે છે. અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બે દિવસ પહેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપે મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રીની જવાબદારી લાદી છે. તેમણે તેને ભાજપનો ડર ગણાવ્યો હતો.
ભાજપ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો ઝડપથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, “એ સમાચાર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક કેન્દ્રીય પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની ફરજ આપી રહી છે. બાપ રે.. આટલો ડર? આ આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકો જે બીજેપીથી ખૂબ જ નારાજ છે. હવે ઝડપથી આમ આદમી પાર્ટીનો પાલવ પકડી રહ્યા છે.
થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ દિલ્હીમાં મફત વીજળીની ગેરંટી બંધ કરવા માંગે છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “ગુજરાત તમારી મફત વીજળીની ગેરંટી પસંદ આવી રહી છે. એટલા માટે ભાજપ દિલ્હીમાં મફત વીજળી બંધ કરવા માંગે છે. દિલ્હીના લોકો વિશ્વાસ રાખે. હું કોઈ પણ સંજોગોમાં તમારી મફત વીજળી બંધ થવા દઈશ નહીં. ગુજરાતના લોકો, હું તમને ખાતરી આપું છું કે જો સરકાર બનશે તો 1 માર્ચથી તમારી વીજળી પણ ફ્રી થઈ જશે.





