Asaram rape case : આસારામ રેપ કેસ મામલો, પોતાની જ શિષ્ય પર બળાત્કારના ગુનામાં દોષિત સંત આસારામની પત્ની અને પુત્રીની મુક્તિ ગુજરાત સરકારને અનુકૂળ આવી નથી. સરકાર આ નિર્ણયને પડકારવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે, તેને કોર્ટના નિર્ણય સામે વાંધો છે, તેથી તે તેને ઉચ્ચ અદાલતમાં મુક્તીના આદેશને પડકારશે.
એક અહેવાલ અનુસાર, ગુજરાત સરકાર 2013ના બળાત્કારના કેસમાં આસારામની પત્ની, તેની પુત્રી અને તેના ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવાને હાઈકોર્ટમાં પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેમના ચાર શિષ્યોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા, જેમના પર ગુનો કરવામાં મદદ કરવાનો આરોપ હતો.
ગાંધીનગરની અદાલતે 31 જાન્યુઆરીએ આસારામને તેમની શિષ્યા દ્વારા 2013માં નોંધાવેલ બળાત્કારના કેસ મામલામાં આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યૂટર આરસી કોડેકરે જણાવ્યું કે, 6મેના રોજ લીગલ ડિપાર્ટમેન્ટે એક પ્રસ્તાવ પાસ કરી કહ્યું હતું કે, નિર્ણય સામે અપીલ કરી શકાય.
સરકારી વકીલે કહ્યું- સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ
ફરિયાદ પક્ષે ગાંધીનગર કોર્ટના 31 જાન્યુઆરીના આદેશને પડકારવા માટે સરકારની મંજૂરી પણ માંગી છે, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, જોધપુર અને અમદાવાદના કેસમાં આસારામને આજીવન કેદની સજા એકસાથે ચાલવી જોઈએ. કોડેકરે જણાવ્યું હતું કે, આના માટે સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ તેઓ હાઈકોર્ટમાં જઈ આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી કરશે.
આસારામ જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, આસારામ હાલમાં 2013માં રાજસ્થાનમાં તેમના આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા ખાતેના તેમના આશ્રમમાં 2001 થી 2007 દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર ઘણી વખત બળાત્કાર કરવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.