Bageshwar dham dhirendra shahstri surat divya darbar : સમગ્ર ભારતમાં હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરતા બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના મહેમાન બન્યા હતા. ગુરુવારે બપોરના સમયે ગુજરાતમાં આવી પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબાનો દિવ્ય દરબાર આજથી બે દિવસ એટલે કે 26 અને 27 મેના રોજ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે. જોકે, બાગેશ્વર બાબાની સુરતમાં મહેમાનગતિ માટે ઉચ્ચકોટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના એક પ્રખ્યાત બિલ્ડરના ફાર્મ હાઉસમાં રોકાણ કરશે. બાબા માટે અત્યંત વૈભવી સુવિધાઓ અને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના વિવિધ શહેરોમાં 4 જૂન સુધી તેમના દિવ્ય દરબારોનું આયોજન કરશે.
સુરતમાં ક્યાં અને કેટલા વાગે ‘દિવ્ય દરબાર’ યોજાશે
બાગેશ્વ ધામની સત્તાવાર વેબસાઇટ bageshwardham.co.in પર ઉપલબ્ધ માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં બે દિવસ – 26 અને 27 મે, 2023ના રોજ રોકાશે છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના એક પ્રખ્યાત બિલ્ડરના ફાર્મમાં રોકાશે અને તેની માટે અત્યંત વૈભવી સુવિધા અને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગે
ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મે, 2023ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાનમાં તેમનો ‘દરબાર’ યોજશે. બાગેશ્વ સરકારનો ‘દરબાર’ સાંજે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગેટ છે.
બાગેશ્વર ‘સરકાર’ની સુરક્ષામાં હજારની વધુ પોલીસ તૈનાત
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે હજારથી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી સિક્યોરિટી કંપનીના પણ સુરક્ષા કર્મીઓ સુરક્ષામાં હાજર રહશે. અગાઉ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે એપીએમસી માર્કેટમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, “અમે 7.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 20 બ્લોક બનાવ્યા છે જ્યાં 1.75 લાખથી વધુ લોકો બેસી શકે.
અલગ-અલગ છ જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે. 100 ફૂટ x 40 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. 5,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લેતી એકથી વધુ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.”
અમદાવાદમાં ક્યાં ક્યારે ‘દિવ્ય દરબાર’ યોજશે
ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત બાદ અમદાવાદમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. તેઓ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં રોકાશે. જેમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિચોક ખાતે તેનો ‘દિવ્ય દરબાર’લાગશે. ‘દિવ્ય દરબાર’ માટે વિશાળ મંડપ અને પીઠાસન સહિતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. નોંધનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદમાં આવી ચૂક્યા છે. અહીંયા તેમણે વટવામાં એક ધાર્મિક કથાના કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યારબાદ સાંજે સુરત રવાના થયા હતા.
રાજકોટમાં કઇ તારીખે અને ક્યાં ‘દિવ્ય દરબાર’ લાગશે
ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ બાદ રાજકોટમાં પણ તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
‘દિવ્ય દરબાર’માં અરજ કરવા ટોકન લેવું પડશે?
આમ તો બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’માં અરજ કરવા માટે ટોકન સિસ્ટમ છે. જો કે ગુજરાતમાં જ્યારે તેમનો ‘દિવ્ય દરબાર’ યોજાઇ રહ્યો છે ત્યારે તેમના ભક્તો અને અનુયાયીઓને મોટી રાહત આપી છે. ગુજરાતમાં યોજાઇ રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’ દરબારમાં અરજ કરવા માટે લોકોને ટોકન લેવા પડશે નહીં.