Navaratri 2022: સુરતમાં એક ગરબા સ્થળ પર લાકડી લઇને આવેલા કેટલાક લોકો કાર્યક્રમમાં ઘુસી ગયા હતા અને ત્યાં રહેલા બાઉન્સરો પર હુમલો કર્યો હતો. ઘટના સોમવારે રાત્રે સુરતના વીઆઈપી રોડ પર ઠાકોરજી વાડીમાં થઇ હતી. આ ઘટનામાં બે બાઉન્સર્સ ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ સંબંધમાં પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. અંદર ઘુસેલા લોકો બજરંગ દળના બતાવવામાં આવી રહ્યા છે.
સોમવારે રાત્રે સ્થળ પર પહોંચેલા ઉપાયુક્ત ઝોન 4ના સાગર બાગમેરે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે ઘટનાની જાણકારી મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રિત કરી હતી. કેટલાક યુવકો લાકડી લઇને ગરબાના કાર્યક્રમમાં આવ્યા હતા. તેમણે ગરબાના આયોજકો સાથે રકઝક કરી હતી અને ગરબામાં રહેલા બાઉન્સરોને માર માર્યો હતો. અત્યાર સુધી ગુનો નોંધાવવા માટે કોઇ સામે આવ્યું નથી. અમે તે ગરબાના કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ તૈનાત કર્યો છે અને કોઇ અપ્રિય ઘટનાને રોકવા માટે વધારાનો પોલીસ સ્ટાફ મોકલવામાં આવ્યો છે. ગરબા તે સ્થાને ચાલું રહેશે. ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ તેમની હાલત સ્થિર છે.
આ પણ વાંચો – અમદાવાદ : “ગરબા નથી આવડતા કેમ આવ્યો”, યુવક ગરબાના સ્ટેપ ભૂલ્યો તો પાડોશીએ કરી દીધી પીટાઇ
બાઉન્સરોમાંથી એક અહમદ ખાનના મતે મેદાન પર 100થી વધારે બાઉન્સર હતા. તેમને બધાને અલગ-અલગ સ્થાન પર રાખવામાં આવ્યા હતા. બજરંગ દળના સભ્યો ચારેય તરફથી મેદાનમાં આવી ગયા હતા અને અલગ-અલગ સમૂહમાં ફેલાઇ ગયા હતા. તે લાકડી લઇને આવ્યા હતા. પહેલા તેમણે બાઉન્સરોનો સંપર્ક કર્યો અને તેમની પાસે જઇને નામ પૂછ્યું અને ખબર પડી કે તે મુસ્લિમ છે તો તેને ત્યાંથી બહાર લઇ ગયા અને લાકડીથી માર માર્યો હતો. પાંચ મુસ્લિમ બાઉન્સરોની પીટાઇ કરી હતી. જેમાંથી ત્રણ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
બજરંગ દળના નેતાએ કહ્યું- અમે મુસ્લિમ બાઉન્સરોને ત્યાં ન આવવા કહ્યું હતું
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા દક્ષિણ ગુજરાત બજરંગ દળ (સુરક્ષા)ના અધ્યક્ષ દેવપ્રસાદ દુબેએ કહ્યું કે અમને ઠાકોરજી વાડીમાં ગરબાના કાર્યક્રમમાં આયોજકો દ્વારા ભાડે લાવેલા મુસ્લિમ બાઉન્સરો વિશે જાણકારી મળી હતી. અમે પહેલા પણ કાર્યક્રમના આયોજકોને મુસ્લિમ બાઉન્સરો ના રાખવાની ચેતવણી આપી હતી. અમારી ટીમ સ્થળ પર પહોંચી અને બાઉન્સરોની ઓળખ મુસ્લિમ તરીકે કરવા પર અને તેમને ના આવવા કહ્યું હતું. રકઝક પછી અમારા બજરંગ દળના સભ્યો અને મુસ્લિમ બાઉન્સરો વચ્ચે લડાઇ થઇ હતી. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.