North Gujarat Rain News : ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં આજે મેઘરાજા તોફાન મચાવી રહ્યા છે. જિલ્લાના લાખણી તાલુકામાં માત્ર બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
લાખણીમાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ, સવારથી 8 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં મેઘરાજા છેલ્લા એક અઠવાડિયાથી મહેર કરી રહ્યા છે. ત્યારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં તોફાની બટિંગ કર્યા બાદ, બનાસકાંઠામાં ધમાકેદાર સવારી કરી રહ્યા છે. જિલ્લાના લાણખી તાલુકામાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે રોડ રસ્તા નદી બની ગયા છે.
બનાસકાંઠા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
બનાસકાંઠાના લાખણીમાં ભારે પવન અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નદી-નાળાઓમાં નવા નીર વહેતા થઈ ગયા છે. આ સિવાય બનાસકાંઠાના સુઈગામ, વાવ, પાલનપુર અને કાંકરેજમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જો બનાસકાંઠાના તાલુકાઓમાં વરસાદી આંકડાની વાત કરીએ તો, લાખણીમાં સૌથી વધુ 204 મીમી (8 ઈંચ), તો વાવમાં 79 મીમી, સુઈગામમાં 68 મીમી, થરાદમાં 58 મીમી, પાલનપુરમાં 25 મીમી, કાંકરેજમાં 20 મીમી, દાંતામાં 15 મીમી, તો ધાનેરામાં 11 અને ડીસામાં 10 મીમી વરસાદ નોંધાયો છે. તો વડગામ, અમીરગઢ અને દિયોદરમાં 3-4 મીમી વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં સવારના 6 વાગ્યાથી બપોરેના 2 વાગ્યા સુધીમાં જ 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના અન્ય તાલુકાની વાત કરીએ તો, વાવમાં 3 ઈંચથી વધુ તો સુઈ ગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
પાટણ શહેર તથા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
જો ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની વાત કરીએ તો, પાટણ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નાણા ગામમાં વીજકરંટ લાગતાં બે ના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. જો જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો, પાટણમાં 32 મીમી, રાધનપુર 11 મીમી, સિદ્ધપુર 29 મીમી, સરસ્વતી 26 મીમી, શંખેશ્વર 17 મીમી, હારીજ 6 મીમી અને ચાણસ્મામાં 35 મીમી વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકામાં સૌથી વધુ વરસાદ
આ સિવાય ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી, ઊંઝા, જોટાણા, મહેસાણા શહેર, કડી અને વિજાપુર તાલુકામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. જો જિલ્લાના વરસાદી આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ બેચરાજીમાં 66 મીમી, ઊંઝામાં 43 મીમી, મહેસાણા શહેરમાં પણ 43 મીમી, તો જોટાણામાં 36 મીમી, કડીમાં 26 મીમી, વિજાપુરમાં 21 મીમી, વિસનગરમાં 14 મીમી અને ખેરાલુમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવો વરસાદ
જો સાબરકાંઠા અને અરવલ્લી ની વાત કરીએ તો, તલોદ, હિંમતનગર, પ્રાંતિજ, ધનસુરા, મોડાસા, ભિલોડા, ઈડર, ખેડબ્રહ્મા, વડાલીમાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. આંકડાની વાત કરીએ તો, તલોદમાં 37 મીમી, હિંમતનગરમાં 32 મીમી, પ્રાંતિજમાં 17 મીમી, ધનસુરામાં 16 મીમી, ઈડરમાં 8 મીમી, ખેડબ્રહ્મામાં 4 મીમી, માલપુરમાં 4 અને વડાલીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે.





