BAPS Karyakar Suvarna Mahotsav : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ કાર્યક્રમ 7 ડિસેમ્બરના રોજ યોજાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓની આધારશિલા બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો છે. આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ-મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ યોજાયા હતા.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પૂર્વતૈયારીઓ
- છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવાવિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત.
- સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
- આશરે 75,000 જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
આ પણ વાંચો – ડાયમંડ સિટી સુરતમાં બનશે દુબઇ અને ચીન જેવું ભારત બજાર
e
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ
- એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો
- વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરોનું થશે આગમન
- 2000થી વધુ પર્ફોર્મર્સ
- બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી.
- કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું.
- પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
7 ડિસેમ્બરે સાંજે 5.00 થી 8.30 દરમિયાન રંગારંગ કાર્યક્રમ
7 ડિસેમ્બર અને શનિવારે સાંજે 5.00 થી 8.30 સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે.
બીજ: છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.
વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.
ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો.