Bharat Bandh 9 july 2025: દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સહયોગીઓના એક મંચ દ્વારા “સરકારની કામદાર વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ-કેન્દ્રિત નીતિઓનો વિરોધ કરવા માટે બુધવાર 9 જુલાઇના રોજ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સોમવારે ટ્રેડ યુનિયનોએ જણાવ્યું હતું કે ઔપચારિક અને અનૌપચારિક/અસંગઠિત અર્થતંત્રના તમામ ક્ષેત્રોના યુનિયનો દ્વારા ભારત બંધની તૈયારીઓ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) ના અમરજીત કૌરે જણાવ્યું કે, “આ હડતાળમાં 25 કરોડથી વધુ કામદારો જોડાય તેવી અપેક્ષા છે. દેશભરમાં ખેડૂતો અને ગ્રામીણ કામદારો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે.”
હિંદ મઝદૂર સભા (HMS) ના હરભજન સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે ભારત બંધના કારણે બેંક, ટપાલ, કોલસા ખાણકામ, ફેક્ટરીઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે.
ભારત બંધમાં ક્યા ક્યા સંગઠનો જોડાયા?
દેશમાં 9 જુલાઇના ભારત બંધ એલાનમાં AITUC ઉપરાંત, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), HMS, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU), ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC), ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC), સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન્સ એસોસિએશન (SEWA), ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF) અને યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC) સંગઠનો જોડાયા છે.
સરકાર સમક્ષ 17 માંગણીઓ રજૂ
એક નિવેદનમાં કામદાર યુનિયન ફોરમે જણાવ્યું હતું કે, તેમણેગયા વર્ષે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીનો પત્ર સોંપ્યો હતો. તેમનું કહેવું છે કે, સરકાર છેલ્લા 10 વર્ષથી વાર્ષિકશ્રમ સંમેલનનું આયોજન કરી રહી નથી. તે શ્રમિક અને કામદારોની વિરુદ્ધ નિર્ણય લે છે. મજૂર સંગઠનોએ એવો આરોપ મૂક્યો છે કે, આર્થિક નીતિને કારણે બેરોજગારી વધી રહી છે, આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઇ છે, મજૂરીનું મહેનતાણું ઘટી રહ્યું છે અને શિક્ષણ, આરોગ્ય અને પાયાની નાગરિક સુવિધા પાછળાનો સામાજિક ખર્ચ ઘટી રહ્યો છે. જેનાથી ગરીબ, ઓછી આવકના લોકોની સાથે સાથે મધ્યમ વર્ગ માટે આર્થિક અસમાનતા વધી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટ્રેડ યુનિયનોએ અગાઉ 26 નવેમ્બર 2020, 28-29 માર્ચ 2022 અને ગયા વર્ષે 16 ફેબ્રુઆરીએ પણ આવી જ દેશવ્યાપી હડતાળ પાડી હતી.
ભારત બંધમાં ગુજરાતના ટ્રેડ યુનિયન નહીં જોડાય
ગુજરાત ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે, અમારું સંગઠન 9 જુલાઇના ભારત બંધ એલાનમાં જોડવાનું નથી. બજારની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા આ ભારત બંધની વધારે અસર થવાની શક્યતા દેખાતી નથી. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર આશિષ ઝવેરીએ કહે છે, ભારત બંધ એલાનમાં ગુજરાતનું કોઇ ટ્રેડ યુનિયન કે સંગઠન જોડવાનું નથી.





