Bharat Bandh in Gujarat News : ભારત બંધ ગુજરાતમાં : દલિત-આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયરની અંદર ક્વોટા અને એસસી અને એસટી કેટેગરીમાં ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે ભારત બંધનું આહ્વાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ જ ભારત બંધની અસર જોવા મળી રહી છે. બંધની અસર છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં આદિવાસી અને દલિત સમુદાયના વસવાટવાળા વિસ્તારોમાં પણ જોવા મળી છે. અહીં બજારો બંધ રહ્યા હતા.
વિરોધ કરી રહેલા લોકોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં માલગાડીને અટકાવી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ભીડને હટાવવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘણા પ્રયત્નો પછી, પોલીસે પ્રદર્શનકારીઓને ટ્રેનનો રસ્તો છોડવા માટે સમજાવ્યા હતા. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લગભગ દોઢ કલાકના જબરદસ્તી સ્ટોપ બાદ ટ્રેન આગળ વધીને ભાવનગર તરફ ગઈ હતી.
અરવલી જિલ્લામાં દેખાવકારોએ રસ્તા રોક્યા હતા
અરવલી જિલ્લાના ભિલોડા અને શામળાજીમાં દેખાવકારોએ રસ્તા રોક્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાટણ અને અરવલ્લી જિલ્લામાં પણ બંધને લાગુ કરવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. ભિલોડા અને શામળાજીના બજારો અને દુકાનો પણ બંધ રહી હતી. તો સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વિજયનગર શહેરમાં પણ બંધની અસર જોવા મળી હતી. બજારની સાથે અહીં શાળા-કોલેજો પણ બંધ રહી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા માટે પોલીસે ચાર્જ સંભાળ્યો હતો.
સુરત જિલ્લાના ઉમરપાડામાં દુકાનો બંધ રહી હતી
એસસી-એસટી વર્ગના લોકોએ રેલીઓ પણ કાઢી હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં બપોર બાદ દુકાનો બંધ રહી હતી. એટલું જ નહીં બધે નીરવ શાંતિ હતી. આ જિલ્લામાં કોસંબા જેવા સ્થળોએ બંધનું એલાન આપતી સંસ્થાઓના લોકોએ દુકાનો બંધ રાખવા વિનંતી કરી હતી. વડોદરામાં SC-ST સંગઠનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં દલિત સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો બ્લોક કર્યો હતો. ક્વોટા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દેશના 21 સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. સંગઠનોએ કહ્યું કે, આનાથી અનામતના મૂળ સિદ્ધાંતને નુકસાન થશે.





