Bharuch hansot Car Accident : ભરૂચ જિલ્લાથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા, કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા, ત્યારબાદ સરવાર દરમિયાન વધુ એક મહિલાના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ઘાયલોને તત્કાલીક હાંસોટની કાકાબા હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ નજીક અલવા ગામ પાસે બે કાર સા-સામે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં વધુ એક મહિલાનું મોત થતા, મોતનો આંક પાંચ પર પહોંચી ગયો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ભરૂચના હાંસોટમાં અલવા ગામ પાસે બે કાર હ્યુન્ડાઈ વેન્યુ – GJ16DG 8381 અને વર્ના – GJ 06 FQ 7311 વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી, આ અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરૂષનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે, જ્યારે એક મહિલા અને એક બાળકની હાલત ગંભીર હતી, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. જેને પગલે મોતનો આંક પાંચ પર પહોંચ્યો.
ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, જેને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મામલો હાથ પર લઈ ટ્રાફિક દુર કર્યો હતો, જ્યારે 108 દ્વારા મૃતકોને પીએમ માટે અને ઘાયલોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો – stray cattle problem: ગૌમૂત્ર, છાણમાંથી પણ પશુપાલકો કમાણી કરે તો રખડતા ઢોરની સમસ્યા સમાપ્ત થઈ શકે : રૂપાલા
ફોટા અને વીડિયોમાં કારની હાલત જોઈ અંદાજ લગાવી શકાય છે કે, બંને કાર વચ્ચે કેટલી જબરદસ્ત ટક્કર થઈ હશે. બંને કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. પોલીસે સ્થળ પર પહોચી મામલો સંભાળી લીધો છે, અને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકો ક્યાંના છે, તથા તેમના પરિવારને જણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તાપી : ઉચ્છલ નિઝર રોડ પર બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત, બેના મોત
ઉલ્લેખનીય છે કે, આજે સવારે તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર રોડ પર માણેકપુર ગામની સીમ પાસે બાઈક અને કન્ટેર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઈક સવારના મોત નિપજ્યા હતા. બાઇક પર સવાર શુકરિયા કથુડ અને અર્જુન કથૂડ નામના બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉચ્છલ પોલીસે અકસ્માે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





