Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટે સોમવારે બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. ગુજરાતના ગોધરામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને ઓગસ્ટ 2022 માં મુક્ત કરવામાં આવ્યા હતા. દોષિતોને મુક્ત કર્યા પછી, બિલકિસ બાનો અને તેના પરિવારે આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
હવે આ કેસનો ચુકાદો 8 જાન્યુઆરીએ એટલે કે, આજે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો અને તમામ દોષિતોને અપાયેલી માફી રદ કરી દીધી. તો ચાલો જાણીએ આ કેસ સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ ઘટનાક્રમ વિશે. અને હવે દોષિતો પાસે કાયદાકિય શું વિકલ્પ બચ્યો.
બિલ્કીસ બાનો મામલો શું છે
2002 માં ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તે સમયે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. તેણી 5 મહિનાની ગર્ભવતી પણ હતી. તેની 3 વર્ષની પુત્રી ઉપરાંત, ગુનેગારોએ તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાત સરકારે તમામ દોષિતોની સજામાં ફેરફાર કરીને 15 ઓગસ્ટ 2022 ના રોજ તેમને મુક્ત કર્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ગુનેગારોના સ્વાગત અને ઉજવણીની તસવીરો સામે આવી છે. બિલ્કીસ બાનોએ દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
બિલ્કિસ બાનો કેસ ઘટનાક્રમ?
3 માર્ચ, 2002- અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં હિંસક ટોળા દ્વારા 21 વર્ષની બિલ્કિસ બાનોના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર થયો હતો, જ્યારે તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. બિલ્કીસની 3 વર્ષની પુત્રીની પણ તોફાનીઓએ હત્યા કરી હતી અને તેની માતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
ડિસેમ્બર 2003- સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં CBI તપાસનો નિર્દેશ આપ્યો.
21 જાન્યુઆરી, 2008 – બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં સ્પેશિયલ કોર્ટે 11 લોકોને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી.
ડિસેમ્બર 2016- બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા પામેલા 11 કેદીઓની અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
મે 2017- બોમ્બે હાઈકોર્ટે 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી.
23 એપ્રિલ, 2019- સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું હતું.
13 મે 2022- સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તેની 9 જુલાઈ 1992 ની નીતિ મુજબ અકાળે મુક્તિ માટેની દોષિતની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
15 ઓગસ્ટ, 2022- ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ ગોધરા સબ-જેલમાંથી 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.
25 ઓગસ્ટ, 2022- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને પૂર્વ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સાંસદ સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ અને પ્રોફેસર રૂપ રેખા વર્મા દ્વારા દોષિતોની અકાળે મુક્તિ સામે સંયુક્ત રીતે દાખલ કરેલી PIL પર નોટિસ જાહેર કરી.
30 નવેમ્બર, 2022- બિલ્કીસ બાનોએ 11 દોષિતોની સજા ઘટાડવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અને કહ્યું કે, તેમની અકાળે મુક્તિએ સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે.
17 ડિસેમ્બર, 2022- સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની અરજીને ફગાવી દીધી, જેમાં તેણીએ 13 મેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ગુજરાત સરકાર સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત દ્વારા દાખલ કરવામાં આવેલી અકાળે મુક્તિ અરજીની તપાસ કરવા સક્ષમ છે.
27 માર્ચ, 2023- બિલકિસ બાનોની અરજી પર કેન્દ્ર, ગુજરાત સરકાર અને અન્યને નોટિસ જાહેર કરવામાં આવી.
7 ઓગસ્ટ, 2023- સુપ્રીમ કોર્ટે સજામાં માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર અંતિમ સુનાવણી શરૂ કરી.
ઑક્ટોબર 12, 2023- સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સહિત અન્ય અરજીઓ પર 11 દિવસની સુનાવણી પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
08 જાન્યુઆરી, 2024- સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની સજાની માફીને રદ કરી, એમ કહીને આદેશ આપ્યો કે આ આદેશ અયોગ્ય હતો અને વિચાર્યા વગર પસાર કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે દોષિતોને બે સપ્તાહની અંદર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગુનેગારો પાસે હવે શું વિકલ્પ છે?
સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સજાની માફીને રદ કરી દીધી છે. હવે તમામ આરોપીઓએ આત્મસમર્પણ કરવું પડશે. જો કે, ગુનેગારો પાસે હજુ કાનૂની વિકલ્પો બાકી છે. દોષિતો સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે. નિયમો અનુસાર, ગુનેગારોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયના 30 દિવસની અંદર સમીક્ષા અરજી દાખલ કરવી પડશે.
જોકે, રિવ્યુ પિટિશનમાં રાહત મળવાની શક્યતાઓ નહિવત્ છે. આ સિવાય થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ દોષિતોને સજા માફી માટે ફરી એકવાર અરજી કરવાનો અધિકાર છે. જો કે આ વખતે ગુનેગારોએ સજા માફી માટે મહારાષ્ટ્ર સરકારને અરજી કરવી પડશે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી. મહારાષ્ટ્ર કોર્ટે પણ ગુનેગારોને સજા સંભળાવી હતી. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારને પણ સજામાં છૂટ આપવાનો અધિકાર છે.