Biparjoy cyclone latest updates : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો શરુ થયો છે. સાથે સાથે આગામી બે દિવસ સુધી સંભવિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જોકે, ગુજરાત પર આવી ચડેલા સંકટ સામે લડવા માટે તંત્ર પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. 15 જૂનની સવારે વાવાઝોડું કચ્છના કાંઠે ટકરાશે ત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિ લડવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી સહિતના બચાવ ટીમો વિવિધ જગ્યાએ તૈનાત કરી દીધી છે. ચાલો જાણીએ અત્યારે ગુજરાતમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે.
સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મુખયમંત્રીની બિપરજોય પર નજર
બુધવારના દિવસે થનારી કેબિનેટની બેઠકને રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10 વાગ્યે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે અધિકારીઓ સાથે વાત કરી હતી અને સમગ્ર બિપરજોયના પગલે ગુજરાતમાં ચાલતી તૈયારી અંગે પણ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી બિપરજોય ઉપર નજર રાખી રહ્યા છે.
અત્યારે ક્યાં છે વાવાઝોડું
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા બુલેટીન પ્રમાણે સવારે બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છના જખૌ દરિયા કાંઠાથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દેવભૂમી દ્વારકાથી બિપરજોય 290 કિલોમીટર દૂર છે. જે 15 જૂનના રોજ સવારે ગુજરાતના કાંઠા વિસ્તારે લેન્ડફોલ થશે.
વાવાઝોડાને લઈને યાત્રાધામો દર્શનાર્થીઓ માટે બંધ, રિવરફ્રન્ટથી લઇને રોપ-વે સુધીની સુધી બધું બંધ
ગુજરાતમાં 15-16 જૂનના રોજ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જ્યારે યાત્રાધામોએ પણ નિર્ણય લીધો છે. આજથી 16 જૂન સુધી પાવાગઢ, અંબાજી અને ગિરનારમાં રોપ-વે સેવાઓ બંધ રહશે. આ ઉપરાંત સાળંગપુર-સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દીવના તમામ બીચો પણ બંધ કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પણ 15 જૂન સાંજ સુધી બંધ કરવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાની અસર, ગીર જંગલ સફારી બંધ કરાઈ
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર જંગલ સફારી બંધ કરવામાં આવી છે. સાસણ જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ગિરનાર નેચર સફારી, સ્મૃતિવન, કોટેશ્વર નારાયણ સરોવર પણ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે.
બિપરજોય ગુજરાતની નજીક આવતા રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે વાવાઝોડું ગુજરાતની વધુ નજીક આવતા ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટમાં પરિવર્તિત કર્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે ચેતવણી આપી છે. અતિ ભયંકર સાઈક્લોનિક સર્ક્યુલેશન બિપોરજોય 14મીની સવારે 5.30 વાગ્યે લીધેલા ડેટા પ્રમાણે અક્ષાંશ 21.9°N અને રેખાંશ 66.3°E પહોંચ્યું છે. વાવાઝોડાના કારણે રાજ્યના વિવિધ જગ્યાઓ પર સાવધાની રાખવાની સલાહ સાથે જરુરી પગલા ભરવામાં આવ્યા છે.