બિપરજોય વાવાઝોડું ટકરાતાં કચ્છમાં ભારે તારાજી, જાણો કેવી છે વહીવટીતંત્રની તૈયારીઓ

Biparjoy Cyclone : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો વિશે અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી

Written by Ashish Goyal
Updated : June 17, 2023 00:53 IST
બિપરજોય વાવાઝોડું ટકરાતાં કચ્છમાં ભારે તારાજી, જાણો કેવી છે વહીવટીતંત્રની તૈયારીઓ
સમગ્ર જિલ્લામાં ભારે પવનનાં લીધે 3275 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે જેને દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે (Express photo by Nirmal Harindran)

Biparjoy Cyclone Latest Update : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો વિશે અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે સ્થળાંતરનો આંક 54229 સુધી પહોંચ્યો છે. જેમાં 4014 બાળકો,1339 વૃદ્ધ, 552 સગર્ભા મહિલા અને 4509 અગરીયા કામદારોનો પણ‌ સમાવેશ થાય છે.

કચ્છમાં ભારે વરસાદ અને પવનના લીધે 63 જેટલા રસ્તાઓને અસર થઈ હતી. જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ઉપર વૃક્ષો હટાવવાની કામગીરી માટે વિવિધ 25 જેટલી ટીમો કાર્યરત છે. કચ્છમાં વાવાઝોડાના લીધે કોઈ પુલ ક્ષતિગ્રસ્ત થયેલ નથી.

વાવાઝોડાના લીધે રહેણાંક મકાનમાં નુકસાનની વાત કરતા તેઓએપત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં 1670 જેટલા કાચા અને 275 જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલા છે. જે અન્વયે સરકારની સ્થાયી સૂચનાઓ મુજબ 94 ટીમો દ્વારા સરવેની રાહતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના 348 મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી. આ ઉપરાંત કોઈ જ શીપ બોટને પણ નુકસાન થયું નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકારના મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના કારણે કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે કોઈ માનવ મૃત્યુ થયું નથી. તેઓએ આરોગ્યની સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે 69 પી.એચ.સી., 3 એસ.ડી.એચ, 16 સી.એચ.સી. બનાવવામાં આવ્યા છે. આરોગ્ય સુવિધાઓ માટે અન્ય જિલ્લામાંથી 20 મેડીકલ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાના 90 ડોકટરની ફાળવણી સાથે આરોગ્ય સારવાર માટે 1874 બેડની વ્યવસ્થા પણ સરકારી તંત્ર દ્વારા કરાઈ છે.

આ પણ વાંચો – બિપરજોય ચક્રવાત : NDRF એ 127 લોકોનું રેસ્ક્યૂ કર્યું, કોઠારા ગામ જળબંબાકાર

તેમણે કહ્યું કે આગોતરા આયોજન થકી કુલ 552 સગર્ભાઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. તેમાંથી 382 બાળકોનો જન્મ સફળતાપૂર્વક થયેલ છે. 175 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીધામમાં પતરૂ ઉડવાથી 1 તેમજ મુન્દ્રામાં 5, અંજારમાં મકાન પડવાથી 2 એમ કુલ 8 માનવ ઈજાના કેસ નોંધાયા છે.

તમામ કેસોમાં જરૂરી તબીબી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં 80 હજાર જેટલા વીજપોલ, 8 સબસ્ટેશન ટ્રાન્સમિશન લાઈન, 103 જેટલા ફીડર ક્ષતિગ્રસ્ત થયા છે. પીજીવીસીએલ તથા જેટકોની 125 જેટલી ટીમો દ્વારા સમારકામ તથા વીજ પુરવઠો પુન:સ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

કોઈ સોલાર પાર્ક કે વિન્ડ ફાર્મ ક્ષતિગ્રસ્ત થયા નથી. 87 પીવાના પાણીના ટેન્કર અને 9 ડીવોટરીંગ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. 56 ટેન્કર આશ્રયસ્થાન પર અને તેમજ 35 ટેન્કર અસરગ્રસ્ત ગામો ખાતે, 47 જનરેટર સેટ હેડ-વર્ક્સ ખાતે રાખવામાં આવ્યા છે. 11 વોટર હેડ વર્ક્સ ડાઉન છે. જેના પર ડી.જી. સેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

નગરપાલિકા,વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ટીમો દ્વારા તૈયારીરૂપે 275 વૃક્ષોનું ટ્રીમીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ભારે પવનનાં લીધે 3275 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે જેને દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે.

બિપરજોય ચક્રવાત ટકરાતાં જનજીવન ખોરવાયું હતુ, એનડીઆરએફની ટીમોએ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

આ ઉપરાંત 58 પશુઓ અબડાસા, 5 નખત્રાણા, 6 ભુજ, 2 ગાંધીધામમાં એમ કુલ 71 પશુ મૃત્યુ જિલ્લામાં થયા છે. જેના સરવે હેતુ પશુ નિરિક્ષક તથા પશુ ચિકિત્સકની માંગણી રાજ્ય સરકાર સમક્ષ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. રાહત અને બચાવ માટે 6 NDRF ટીમ(ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ), 2 SDRF ટીમ (નારાયણ સરોવર, નલીયા), 4 RPF ટીમની ફાળવવામાં આવી છે. જે હાલની સ્થિતિમાં રાહત બચાવની કામગીરી કરી રહી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાના ડિપ્લોયમેન્ટ બાબતે માહિતી આપતા જણાવ્યું કે 11 કોલમ આર્મી (1- નલીયા, 1- માંડવી, 9 સ્ટેન્ડબાય) રાખવામાં આવી છે તેમજ ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમની સાથે 4 ફાયર ટીમની (લખપત, અબડાસા, માંડવી, ભુજ) અસરગ્રસ્ત તાલુકાઓમાં માંગણી મુજબ ફાળવણી કરવામાં આવી રહી છે.

Read More: ચક્રવાત ગયું, જીવન ફરી શરૂ...

તેઓએ ખેતીવાડી વિશે માહિતી આપતા જણાવ્યું કે કચ્છનો 33 હજાર હેકટર જેટલો વિસ્તાર અસરગ્રસ્ત થયેલ છે. જેના સરવે હેતુ 113 ટીમની રચના કરવામા આવી છે. વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સરવેની કામગીરી બાબતે તેમણે જણાવ્યું કે, રાહત અને સરવેની કામગીરી માટે શહેરી અને ગ્રામ્યવિસ્તારમાં 94 જેટલી ટીમ કાર્યરત કરવામાં આવી છે. તથા સરવેની વધુ જરૂરીયાત જણાતા નગરપાલિકા વિસ્તાર માટે કુલ 13 કર્મચારી તથા ગ્રામ્ય વિસ્તાર માટે કુલ 177 અધિકારી કર્મચારી ફાળવવા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે.

વધુમાં તેમણે કહ્યું કે વાવાઝોડાની આપદા વખતે આપણે સૌએ સામૂહિક પ્રયાસોથી મોટી જાનહાનિ ટાળી છે. 5 દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝૂમી આપણે હજારો જીવન બચાવી શક્યા છીએ જે સરકારની પૂર્વ તૈયારીઓના લીધે શક્ય બન્યું છે. કચ્છ જિલ્લામાં આર્થિક નુકશાન થયું છે, તેમાંથી પણ ઝડપથી આપણે બહાર આવીશું એવો વિશ્વાસ આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આપદા સમયે જનજાગૃતિ માટે મીડિયાએ કરેલી કામગીરી બાબતે પણ આરોગ્ય મંત્રીએ સૌને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ