Biparjoy Cyclone Update: બિપરજોય ચક્રવાતની ધીરે-ધીરે ગુજરાત તરફ આવી રહ્યું છે. અત્યાર સુધી આ ચક્રવાતને ઘણું ગંભીર માનવામાં આવી રહ્યું છે અને તે ભારે તબાહી મચાવી શકે છે. બિપરજોય ચક્રવાત 15 જૂને બપોરે જખૌ બંદરે ટકરાય તેવી હાલ સંભાવના છે. આ સમયે વાવાઝોડાની પવનની સ્પીડ લગભગ 125થી 135 કિમીની રહી શકે છે. આ વાવાઝોડાએ 1998ના કંડલાની તબાહીની યાદ અપાવી દીધી છે. લોકો કંડલાની આ તબાહીની હજુ સુધી ભૂલ્યા નથી. જૂન 1998માં કંડલામાં આવેલા ભયંકર વાવાઝોડામાં લગભગ 10 હજાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા. બિપરજોયને પણ 1998ના વાવાઝોડાની જેમ ખતરનાક માનવામાં આવે છે. તે વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ થયું હતું. આ વખતે બિપરજોય પણ કચ્છમાં લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.
1998માં કંડલા ત્રાટકેલા વાવાઝોડા સમયે શું હતી સ્થિતિ
અરબ સાગરના લક્ષદ્રીપ કિનારે 1 જૂન 1998ના રોજ લો પ્રેશર ઝડપથી વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું હતું. આ પછી 4 જૂનના રોજ વધુ ભયાનક બનીને આગળ વધ્યું હતું. 7 જૂને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. 9 જૂનના રોજ આ પ્રચંડ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ થયું હતું. આ વાવાઝોડા સમયે 165 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન જોવા મળ્યો હતો. આ ચક્રવાતના કારણે દેશભરમાં લગભગ 10 હજાર લોકોના મોત થયા હતા. આ તોફાન એટલું ભયંકર હતું કે આજે પણ તેને યાદ કરીને લોકો ડરી જાય છે.
તે સમયે કંડલા બંદરને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. આ વખતે સાવચેતી રાખીને કંડલા બંદર આખું ખાલી કરાવી દીધું છે. હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા છે.
આ પણ વાંચો – વાવાઝોડામાં મુશ્કેલીમાં મુકાવ તો આ નંબર પર ફોન કરો, જાણો રાજ્યના 33 જિલ્લાના કંટ્રોલરૂમના નંબરો
20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે કેઝુઆલિટી અને નુકસાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.