Biparjoy Cyclone : ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ, ચક્રવાત બિપરજોય હવે નબળા પડ્યા બાદ ડીપ ડિપ્રેશન તરીકે 16 જૂનની મધ્યરાત્રિએ જાલોર અને રાજસ્થાનના બાડમેરના આસપાસના વિસ્તારોમાં પ્રવેશ્યું છે. જયપુરના હવામાન કેન્દ્રના નિર્દેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે, તે વધુ નબળું પડી ગયું છે અને હવે ડિપ્રેશન બની ગયું છે અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.
ચક્રવાત બિપરજોયની અસરને પગલે શનિવારે બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી હતી, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો રાજસ્થાનના બાડમેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ ભારે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. માઉન્ટ આબુમાં શુક્રવારથી અત્યાર સુધીમાં 333 મીમી વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર ખાતે રવિવારે સવારે ભારે વરસાદને કારણે એક નાનો ડેમ તૂટી ગયો હતો. કેટલાક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
એલઆઈસીએ રાહતની જાહેરાત કરી
LIC એ શનિવારે ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત વીમા પૉલિસી અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના દાવેદારોની મુશ્કેલીઓને હળવી કરવા રાહતની જાહેરાત કરી હતી. એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે સહાય પૂરી પાડવા માટે અસરગ્રસ્ત લોકોનો સંપર્ક કરી રહી છે, જોકે ચક્રવાતથી જાનમાલનું નુકસાન ઓછું રહ્યું છે. આ સંદર્ભે, રાજ્ય સરકારના સંબંધિત મુખ્ય સચિવ અને અધિકારીનો સંપર્ક કરવા માટે વિભાગીય સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એલઆઈસીએ બિપરજોય ચક્રવાત પછી કરાયેલા દાવાઓ ઓનલાઈન સબમિશન કરવા માટે એક પોર્ટલ લિંક પણ બનાવી છે.
1600 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત
બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, બિપરજોય ચક્રવાતને કારણે કોઈ જાનહાનિ થઈ નથી તે ગુજરાત સરકારની મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો 20 જૂન સુધીમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, 1,600 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર પાક, બગીચા અને માછીમારી બોટને થયેલા નુકસાનની સમીક્ષા કર્યા બાદ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે.
આ પણ વાંચો – Gujarat Rainfall : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8.25 ઇંચ ખાબક્યો
અમિત શાહે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરીને ચક્રવાતનો સફળતાપૂર્વક સામનો કર્યો. અમે સંતોષ વ્યક્ત કરી શકીએ છીએ કે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા ચક્રવાતને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ એક મોટી સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું હતું કે, ચક્રવાતને કારણે માત્ર 47 લોકો ઘાયલ થયા છે. જોકે 234 પશુઓ મૃત્યુ પામ્યા હતા.





