ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાય દિવસથી આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામાની ચર્ચા ચાલી રહી હતી. જોકે, છેવટે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામાની વાત સાચી ઠરી હતી. દક્ષિણ ઝોનના મહામંત્રી પ્રદિપસિંહ વાઘલાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. અને ભાજપ હાઇકમાન્ડ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ : પ્રદીપસિંહ વાઘેલા
ભાજપના દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ ભાજપ સહિત ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો. રાજીમાનું ધર્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવી, અને કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાની વાત સદંતર ખોટી છે. પ્રદેશ અધ્યક્ષની સુચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધાનું પ્રદિપસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે.
રજની પટેલને સોંપી દક્ષિણ ઝોનની જવાબદારી
ભાજપના દક્ષિણ જોનના મહામંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાની તમામ જવાબદારીઓ રજની પટેલને સોંપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. રજની પટેલને ઉત્તર ઝોનની સાથે દક્ષિણ ઝોનની પણ જવાબદારીઓ જોવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે હજુ ચાર મહિના પહેલાં જ મધ્ય ગુજરાત વિસ્તાર ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને તેમના પદ પરથી હટાવી દેવાયા હતા. વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પરના પથ્થરમારાની ઘટનાથી સરકાર અને ભાજપની બદનામી થઈ હતી. તોફાનોમાં તંત્રની કામગીરીમાં ચંચુપાત અને તોફાનીઓને કહેવાતા પીઠબળની નોંધ પ્રદેશ અને કેન્દ્રમાં પહોંચતાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું.
તોફાનોને લઇને કેન્દ્રીય નેતાગીરીએ પ્રદેશમાંથી વિગતો માગી હતી, જેમાં શહેર ભાજપના મોટાં માથાંને ઠપકો મળ્યો હતો. પોલીસ કાર્યવાહીની વિગતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રીએ મેળવી હતી.





