ગુજરાત રાજ્યસભા ઉમેદવાર : ભાજપે રાજ્યસભામાં સાંસદ પદ માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, ડો. જસંતસિંહ પરમાર અને મયંક નાયકના નામનો સમાવેશ થાય છે. જે ઉમેદવારો ના નામની જાહેરાત થઈ છે, તેમાં જે.પી. નડ્ડા તો હાલમાં કેન્દ્રીય નેતૃત્વમાં પાર્ટી અધ્યક્ષ તરીકે મોટા હોદ્દા પર પહેલાથી જ તેમનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ આ સિવાય જે ત્રણ નામની જાહેરાત કરવામાં આવી છે, તે ત્રણે ઉમેદવારોએ રાજ્યસભા માટે પસંદગી પર આશ્ચર્ય સાથે આનંદ વ્યક્ત કર્યો છે, અને આ પદની ગરીમા, અને જવાબદારી પુરી નિષ્ઠાથી નિભાવવાનું વચન આપ્યું છે. તો જોઈએ કોણ છે આ ઉમેદવારો.
ગોવિંદ ધોળકિયા કોણ છે?
કમલ સૈયદ : ગોવિંદ ધોળકિયા, જેને પ્રેમથી ગોવિંદ કાકા કહેવામાં આવે છે, તે અમરેલીના લેઉવા પાટીદાર છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ચલાવતા અબજોપતિ હીરાના વેપારીએ સુરતમાં એક સમયે હીરા પોલિશર તરીકે રોજગારીની શરૂઆત કરી હતી.
બુધવારે તેમના નામની જાહેરાત થયા પછી તરત જ, ધોળકિયાએ મીડિયાને કહ્યું: “વડાપ્રધાન નરેન્દ્ર મોદી, (કેન્દ્રીય) ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મને આવી તક આપી છે. માત્ર મને જ નહીં પણ સુરત શહેર અને ગુજરાતને તેનો લાભ મળશે. રાજ્યસભાના સાંસદ તરીકે, હું માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ અન્ય ઉદ્યોગો દ્વારા પણ સામનો કરી રહેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશ. 76 વર્ષીય ગોવિંદભાઈ, જે પોતાને ‘અ રાજકીય’ કહે છે, તે એક પરોપકારી, દાનવીર વ્યક્તિ પણ છે. તેમની નવીનતમ પહેલમાં ડાંગના આદિવાસી જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિરોના નિર્માણનો સમાવેશ થાય છે.
પી.પી. સ્વામી, એક પૂજારી અને હીરાના વેપારી ગોવિંદભાઈના નજીકના સહયોગી તેઓ કહે છે કે, આમાંથી, 57 મંદિરો તો તેમના દ્વારા પહેલાથી જ બાંધવામાં આવ્યા છે.
ઑક્ટોબર 2021 માં, સુરતની કિરણ હોસ્પિટલમાં તેમનું કેડેવરિક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ, જેમાં તેઓ ચેરમેન પણ છે. જે ટ્રાન્સપ્લાન્ટ માટે તેમને અમેરિકામાં સારવાર કરાવી હોત તો, 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હોત, જે માત્ર 16.50 લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હતુ. કૃતજ્ઞતાના પ્રતીક તરીકે, ધોળકિયાએ આ હોસ્પિટલને રૂ. 1 કરોડ અને 1,600 કર્મચારીઓમાંથી પ્રત્યેકને રૂ. 2,000 દાનમાં આપ્યા હતા.
ધોળકિયાએ ‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’ નામથી એક આત્મકથા પણ લખી છે. તેમણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) – દિલ્હી જેવી પ્રીમિયર સંસ્થાઓમાં તેમની જીવનયાત્રા પર ભાષણો પણ આપ્યા છે.
ડો. જશવંતસિંહ પરમાર કોણ છે?
અદિતી રાજા : ગોધરા, પંચમહાલના એક જનરલ સર્જન ડૉ. જશવંતસિંહ પરમાર લોકપ્રિય OBC નેતા છે. 47 વર્ષીય આ નેતાએ એક સમયે પાર્ટી સામે બળવો પણ કર્યો હતો અને વર્તમાન ધારાસભ્ય સી.કે. રાઉલજી વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં રાઉલજીને ગોધરા બેઠક પરથી 10.54 ટકા મત મળ્યા હતા.
આ બળવાખોરીને પગલે તેમને ભગવા પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, તેઓ 2022 માં પાર્ટીમાં પાછા ફર્યા હતા.
ગોધરામાં ભાજપના સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર, સર્જન ડો. જશવંતસિંહનું નામાંકન “આશ્ચર્યજનક” તરીકે આવ્યું છે, ખાસ કરીને ત્યારે, જ્યારે તેમણે ફરીથી ભાજપમાં જોડાયા પછી ઓછી પ્રોફાઇલ જાળવી રાખી હતી. બુધવારે પરમારે પોતે પણ તેને ‘સુખદ આશ્ચર્ય’ ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, “આ એક સુખદ આશ્ચર્ય છે, પણ એક મોટી જવાબદારી પણ છે. હું આ જવાબદારી સ્વીકારીશ અને મારી ફરજો પુરી નિષ્ઠાથી નિભાવીશ. ભાજપના સુશાસનને કારણે પંચમહાલ હવે પછાત જિલ્લો રહ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં જિલ્લામાં જે પણ સમસ્યાઓ ઉભી થશે, તેના હું પ્રતિનિધિ તરીકે પ્રશ્નો ઉઠાવીશ.
પરમારના પિતા, સાલમસિંહ, સરકારી શાળાના આચાર્ય અને ભાજપના સક્રિય કાર્યકર હતા, જ્યારે તેમની માતા ભાજપના સભ્ય તરીકે પંચમહાલ જિલ્લા પંચાયતની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ હતા.
ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલ નામનું મેડિકલ સેન્ટર ચલાવતા ડો. પરમાર આરએસએસ સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળે છે. તેઓ અમદાવાદની BJ મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે કહ્યું કે, “હું ભાજપનો તળિયાનો કાર્યકર રહ્યો છું અને મારી પસંદગીથી મારા સમર્થકો, અન્ય ઓબીસી નેતાઓ તેમજ મારા દર્દીઓ, જેમને હું અંગત રીતે ઓળખું છું તેમને ખૂબ આનંદ થયો છે. હું 23 વર્ષથી પ્રેક્ટિસ કરતો ડૉક્ટર છું, અને મેં વ્યક્તિગત રીતે બધાની વચ્ચે રહી વાતચીત કરી છે, લગભગ 20 લાખ લોકો સાથે.
મયંક નાયક કોણ છે?
પરિમલ ડાભી : ગુજરાત બીજેપીના OBC મોરચાના પ્રમુખ મયંક નાયક (52) પક્ષના તળિયાના કાર્યકર તરીકે ખ્યાતિ ધરાવે છે, જેઓ 2002 માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગૌરવ યાત્રા પછી દરેક પ્રવાસમાં પાર્ટીની સાથે રહ્યા છે.
1992 થી પક્ષના સમર્પિત કાર્યકર, મયંક નાયક મહેસાણા જિલ્લાના લખવડ ગામના વતની છે, જ્યાંથી તેમણે ચૂંટણીના રાજકારણમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. મિકેનિકલ એન્જિનિયરનો ડિપ્લોમા ધારક, તેઓ લખવડથી મહેસાણા તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે પણ ચૂંટાયા છે.
હાલમાં, રાજ્ય BPP OBC મોરચાના વડા હોવા ઉપરાંત, મયંક નાયક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પ્રતિનિધિત્વ કરતા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ છે. અગાઉ તેઓ પાટણ જિલ્લા અને પાટણ લોકસભા મતવિસ્તારના પાર્ટી પ્રભારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
તેઓ આરએસએસના સભ્ય અને શામળાજી મંદિરના ટ્રસ્ટી પણ હતા. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં પણ ભાજપ માટે કામ કર્યું છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મયંક નાયકે કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે, મારી પાર્ટીએ મારા જેવા સામાન્ય કાર્યકરને આટલી મોટી જવાબદારી આપી છે. આ સ્પષ્ટ સંદેશ આપે છે કે, પક્ષ માટે નિ:સ્વાર્થ કામ કરતા રહેવું જોઈએ. મારું નોમિનેશન મારા માટે ખરેખર આશ્ચર્યજનક છે.”
નાયકના નામાંકન પર, પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “તેમનું નામાંકન યોગ્ય છે. મયંક નાયક વર્ષોથી પક્ષના નિઃસ્વાર્થ કાર્યકર રહ્યા છે.
આ પણ વાંચો – રાજ્યસભા ચૂંટણી : ભાજપે ગુજરાતમાંથી જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા
ભાજપના રાજ્યસભાના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું
ઉલ્લેખનિય છે કે, ભાજપના ચારે રાજ્યસભા ઉમેદવાર જેપી નડ્ડા, મયંક નાયક, ડો. જશવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાએ ઉમેદવારી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.