ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પવન ગુજરાતમાં જોરદાર ફૂંકાઈ રહ્યો છે. બીજેપીના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાત ચૂંટણીમાં પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ ચૂંટણી જંગમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે. ત્રણ વર્ષ પહેલા બીજેપીમાં જોડાનાર રિવાબા અત્યારે ચર્ચામાં રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક માટે ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે.
કોણ છે રિવાબા જાડેજા?
રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.
કરણી સેનામાં પણ રહ્યા છે સક્રિય
રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારથી બીજેપીના તમામ કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રિવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રિવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવું એક સારો ફાયદો થઈ શકે છે.
રવિન્દ્ર જાડેજાના બહેન પણ રાજનીતિમાં છે
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે. નૈતા બા જામનગરમાં મહિલા કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યારબાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી.
ક્યારે છે ગુજરાતની ચૂંટણી?
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થવા જઈ રહી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ દિવસે જ હિમાચલ પ્રદેશ વિધાનભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. વર્ષ 2017 ચૂંટણીમાં ભાજપે 99 સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસે 77 સીટો મેળવી હતી.