Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે 16 ઓક્ટોબરના રોજ અમદાવાદની એક કોર્ટ દ્વારા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ શહેરના ડિટેકશન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં રાજ્યભરમાં આંદોલન મામલે 2015 ની એફઆઈઆરના સંબંધમાં જાહેર કરાયેલ ધરપકડ વોરંટના આદેશને ફગાવી દીધો હતો.
2020 માં ટ્રાયલ દરમિયાન તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ જતાં અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જ્યારે પટેલે તે દિવસે કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ માટે અરજી કરી હતી, તે નકારી કાઢવામાં આવી હતી. અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તે આ કેસમાં રાજદ્રોહ અને ગુનાહિત ષડયંત્રના આરોપોનો સામનો કરી રહ્યો છે.
ધરપકડ વોરંટ રદ કરતી વખતે, ન્યાયાધીશ સંદીપ ભટ્ટની અદાલતે ધ્યાનમાં લીધું હતું કે, ફરિયાદી પક્ષ ધરપકડ વોરંટને રદ કરવા માટે સંમત છે અને એ હકીકત પણ છે કે, રાજદ્રોહ કાયદો સુપ્રીમ કોર્ટમાં પડકાર અને વિચારણા હેઠળ છે.
રાજદ્રોહના બે કેસ સહિત કુલ 20 કેસ નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે, 2022માં ભાજપ તરફથી વિરમગામની ઉમેદવારી નોંધાવી તે સમયે 29 વર્ષીય હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ હતા. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે.
11 કેસમાં બે વર્ષથી ઓછી સજા
હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસમાં 11 કેસમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે. આ કેસોમાં સુરતના સરથાણા, અમદાવાદ શહેર, સિદ્ધપુર, પાટણના ચાણસ્મા, મહીસાગરના સંતરામપુર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને જામનગર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં નોંધાયેલા ફોજદારી કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં કોર્ટે તેને બે વર્ષની કેદ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. આ મામલો વિસનગરના તત્કાલિન ભાજપના ધારાસભ્ય અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઓફિસમાં થયેલા કથિત હુમલાનો છે.





