ગુજરાતના પોલીસ બેડામાં આત્મહત્યાની વધુ એક ઘટના ઘટી છે. આ વખતે ગુજરાતના બોટાદ જિલ્લાના 24 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા તેના પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.
સમગ્ર ઘટનાની વાત કરીયે તો આત્મહત્યા કરનાર બોટાદ તાલુકામાં આવેલા બોડી પીપરડી ગામની મહિલા કોન્સ્ટેબલ અલકાબેન બાબુભાઈ જીડીયા (ઉ.24) બોટાદ શહેરમાં તુરખા રોડ પર આવેલા હનુમાન પુરીમાં રહેતી હતી અને ત્યાં અગમ્ય કારણોસર શનિવારની સાંજે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતક પોલીસ કોન્સ્ટેબલ અલકાબેન જીડીયા બોટાદ જિલ્લા પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. તેમણે શા માટે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે તેનું કારણ હજી અકબંધ છે. આત્મહત્યાની ઘટનાની નોંધ કરીને પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા કોન્સ્ટેબલે બોટાદના હનુમાન પુરી વિસ્તારમાં જે મકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે ત્યાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. યુવતીના આપઘાતને કારણે પરિવારમાં પણ માતમ છવાયો છે.