Mangrol Ajaka Bridge Collapse: વડોદરા અને આણંદને જોડા ગંભીરા પુલ તૂટી પડ્યાની ઘટના હજી તાજી જ છે ત્યાં આજે મંગળવારે 14 જુલાઈ 2025ના દિવસે વધુ એક પુલ તૂટ્યાની ઘટના બની હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં હીટાચી મશી સહિત કેટલા લોકો નદીમાં ખાબક્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આત્રોલી ગામથી કેશોદ તરફ જવાના માર્ગ પર આ પુલ આવેલો છે.
જર્જરીત પુલનું સમારકામ ચાલતું હતું ત્યારે ઘટી ઘટના
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ જર્જરીત પુલનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં હીટાચી મશીન સહિત કેટલાક લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચોઃ- કેવી રીતે ‘હોંગકોંગથી દુબઈ જઈ રહેલ’ શિપિંગ કન્ટેનર ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું
કેશોદને માધવપુરા સાથે જોડતો મહત્વનો પુલ
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે આ પુલ ઉપર હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું.
સદનસીબે મોટી જાનહાની ટળી
ગંભીરા પુલ દુર્ઘટનામાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ સરકારી તંત્ર જાગ્યું હતું અને જર્જરીત પુલોની માહિતી મેળવી સમારકામની કામગીરી શરૂ કરી હતી. જૂનાગઢના માગરોળમાં પણ આત્રોલી ગામથી કેશોદ જવાના માર્ગ પાસે આજક ગામ પાસે આવેલા પુલનું સમારકામ ચાલું હતું ત્યારે દુર્ઘટના ઘટી હતી. જોકે, વાહન વ્યવહાર બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી.
કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે શું કહ્યું?
માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.