Mehsana Accident : મહેસાણામાં એક કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક યુવાન બુલેટ પર જતો હતો અને ફૂલ સ્પીડમાં થાંભલે બટકાયો જેમાં ખભેથી હાથ છૂટો પડી રોડ પર પડ્યો હતો. આ અકસ્માતમાં યુવકનું સ્થળ પર જ મોત થયું, જ્યારે પાછળ બેઠેલા મિત્રને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના બીકે સિનેમા ચોકમાં થર્ટી ફર્સ્ટના દિવસે મોડી રાત્રે 11.30 કલાકની આસપાસ એટલે કે નવું વર્ષ શરૂ થાય તેના અડધો કલાક પહેલા જ એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં તેનું બુલેટ રસ્તાની બાજુમાં લાગેલા હોર્ડિંગ્સના થાંભલે ભટકાયું હતુ, જેમાં તેનો હાથ ખભેથી કપાઈ રોડ પર પડ્યો હતો, અને બંને સવાર રોડ પર પટકાયા હતા. જેમાં એકનું સ્થળ પર જ મોત થયું હતું.
વિગતે ઘટનાની વાત કરીએ તો, મહેસાણાના આંબેડકર નગરના રાણાવાસમાં રહેતો પ્રિયદત્ત રાણા અને તેના ત્રણ મિત્રો ધવલ પરમાર, રાજુ પરમાર અને ચંદ્રકાન્ત રાણા 31 તારીખના રાત્રે 11 વાગ્યાની આસપાસ રાધનપુર ચોકડી પર નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ રાત્રે મોઢેરા ચોકડીથી વાયા માલ ગોડાઉન રોડ થઈ ચાર મિત્રો બે વ્હીકલ, બુલેટ અને એક્ટીવા પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે બુલેટ પર પ્રિયદત્ત રાણા અને ધવલ પરમાર બેઠા હતા, તેમનું બુલેટ બિકે સિનેમા પાસે ફૂલ સ્પીડમાં પહોંચ્યું ત્યારે અચાનક પ્રિયદત્તનો ખભો થાંભલે ભટકાયો અને તેનો હાથ છૂટો પડી કપાઈ રોડ પર પડી ગયો અને બંને મિત્રો રોડ પર પટકાયા. લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા.
સૂત્રો અનુસાર, અન્ય બે મિત્રો રાજુ પરમાર અને ચંદ્રકાન્ત રાણાએ ઘરે પહોંચી પ્રિયદત્તને ફોન કર્યો પરંતુ અન્ય કોઈએ તેમનો ફોન ઉપાડી અકસ્માતની મિત્રોને જાણ કરી મિત્રો તુરંત સ્થળ પર પહોંચ્યા અને બંનેને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તે પહેલા પ્રિયદત્તનું મોત થઈ ગયું હતું. જ્યારે ધવલ ગંભીર રીતે ઘાયલ થતા તેને લાયન્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, મૃતક પ્રિયદત્ત ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો, તેના ફેબ્રુઆરીમાં લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા જ અકસ્માતનો ભોગ બનતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. મિત્રો અનુસાર, પ્રિયદત્ત એટીએમમાં પૈસા પહોંચાડનાર એજીએમ કંપનીમાં નોકરી કરતો હતો, અને ઘરમાં એકમાત્ર કમાવનાર હતો.





