ગોપાલ કટેસિયા | Bhavnagar Murder : ભાવનગર જિલ્લાના વાલુકડ ગામમાં રવિવારે મોડી રાત્રે સુરતના જમીન વેપારીના પુત્રને તેના પિતાના બિઝનેસ પાર્ટનર અને અન્ય લોકોએ પૈસાની તકરારમાં કથિત રીતે માર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ 1.1 કરોડ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી, જે પીડિત અને તેના પિતા જમીનનો સોદો કરવા માટે સુરતથી સાથે લઈ આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે બની હતી, જ્યારે તુલસી લઠિયા (55), તેનો પુત્ર વિપુલ લઠિયા (36) અને નિલેશ જમીનના સોદા માટે વલુકાડ ગયા હતા. વિપુલ ઓનલાઈન કપડા વેચતો હતો અને તેના પિતા સાથે સુરતમાં રહેતો હતો, જ્યારે નિલેશ જામનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, તુલસી અને તેનો પુત્ર વલુકડના રહેવાસી અને તુલસીના બિઝનેસ પાર્ટનર લાભુ સવાણીના ઘરે ગયા હતા. FIR માં જણાવાયું છે કે, લગભગ એક મહિના પહેલા તુલસી અને વિપુલ 40 વીઘાનો પ્લોટ જોવા માટે વલુકાડ આવ્યા હતા, જે લાભુએ 5 કરોડ રૂપિયાના ખર્ચે ભાગીદારીમાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તુલસી અને લાભુ સંમત થયા હતા કે, તુલસી જમીન માટે રૂ. 1.1 કરોડ ચૂકવશે અને લાભુ રૂ. 4 કરોડ ચૂકવશે.
ભાવનગરના એસપી હર્ષદ પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “લાભુના ઘરે રાત્રિભોજન કર્યા પછી, તેઓ બધા તુલસી દ્વારા લાવેલી રોકડ ગણવા લાભુના ફાર્મહાઉસ પર ગયા હતા, ત્યાં થોડી ચર્ચા બોલાચાલી થઈ.
તુલસીની ફરિયાદ મુજબ લાભુએ તેના પુત્ર દર્શન સવાણીને ફોન કર્યો હતો, જે અન્ય ચાર સાથે ફાર્મહાઉસ પર આવ્યો હતો. તેઓએ તુલસી અને તેના પુત્રોને ઝૂંપડીમાં બંધ કરી દીધા અને લાકડીઓ વડે માર માર્યો, તુલસી પર આરોપ લગાવ્યો કે, બંનેએ લગભગ એક વર્ષ અગાઉ સુરતમાં કરેલા જમીનના સોદામાં તેમના નાણાંની ઉચાપત કરી હતી.
તુલસીની ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆર મુજબ, વિપુલના માથામાંથી લોહી નીકળવાથી તે બેભાન થઈ ગયો હતો, લાભુ, તેનો પુત્ર અને ચાર અજાણ્યા લોકો રોકડ લઈને ભાગી ગયા હતા. તેઓએ કથિત રીતે તુલસી અને અન્ય લોકોને ધમકી આપી હતી કે, જો તેઓ પોલીસ પાસે જશે તો તેમને મારી નાખવામાં આવશે.
તુલસી અને નિલેશ વિપુલને ભાવનગર શહેરની સરકારી માલિકીની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
FIR મુજબ, દર્શન સેનામાં સૈનિક છે. “પિતા-પુત્ર, અન્ય ચાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.” લાભુ અને અન્યો સામે કલમ 302 (હત્યા), 396 (હત્યા સાથે લૂંટ), 342 (ગેરકાયદેસર કેદ), 323 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), 120 (ગુનાહિત કાવતરું) અને 306 (2) (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો – રાજકોટ : ફાર્મ હાઉસ પર જુગારધામનો અડ્ડો, 17 ઝડપાયા, 2 પોલીસકર્મીઓ પણ તપાસ હેઠળ
એફઆઈઆરમાં તુલસીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, લગભગ એક વર્ષ પહેલા તુલસી, લાભુ અને પ્રવીણ નાકરાણી નામના વ્યક્તિએ બોઘાણ ગામમાં દરબારની 24 વીઘા ખેતીની જમીન ખરીદવા માટે અજીત દરબાર નામના વ્યક્તિને ટોકન તરીકે રૂ. 75 લાખ આપ્યા હતા.
તુલસીભાઈએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે, ભાગીદારોએ બીજો ખર્ચ કરી જમીન સમતળ કરાવી લીધી હતી. જો કે, તે જમીનનો સોદો કેન્સલ થઈ ગયો અને દરબારે 90 લાખ રૂપિયા પાછા આપવાનું વચન આપ્યું, જેમાં જમીન સમતળ કરવા માટે થયેલા ખર્ચનો પણ સમાવેશ થાય છે. જો કે, તેણે આજ સુધી તે પૈસા પરત કર્યા નથી. આ બાબતને લઈ, મારે અને મારા ભાગીદાર લાભુ વચ્ચે આ અંગે વિવાદ ચાલી રહ્યો હતો.”





