Chandipura Virus Sabarkantha : સાબરકાંઠા જિલ્લાથી આરોગ્યને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી 10 જુલાઈની વચ્ચે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ચેપને કારણે ચાર બાળકોના મોત થયા છે. સમાન લક્ષણો ધરાવતા બે બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ છ બાળકોના લોહીના નમૂના પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને તેના પરિણામો ચારથી પાંચ દિવસમાં આવે તેવી અપેક્ષા છે.
ચાંદીપુરા વાઇરસ – શું છે લક્ષણો? કેવી રીતે ફેલાય છે?
ચાંદીપુરા વાઇરસ માં તાવ આવે છે, તેના લક્ષણો ફલૂ જેવા હોય છે અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજમાં સોજો) કારણ બને છે. આ પેથોજેન રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. કેવી રીતે ફેલાય છે તેની વાત કરીએ તો, ચાંદીપુરા વાયરસ મચ્છર, ટીક્સ અને સેન્ડફ્લાય જેવા વેક્ટર દ્વારા ફેલાય છે.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતારિયાએ જણાવ્યું હતું કે: “ચાર બાળકોના મોત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચેપથી થયા છે – જેમાં એક સાબરકાંઠાનો, બે પડોશી અરવલ્લીના અને એક રાજસ્થાનના ઉદયપુરના બાળકનો સમાવેશ થાય છે.” તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે બાળકો પણ રાજસ્થાનના જ છે.
આ દરમિયાન, સુતરિયાએ જણાવ્યું હતું કે, તેમણે અને ટીમે તે લોકોના ઘરની 3-કિમી ત્રિજ્યાની અંદર નિવારક પગલાં લેવાનું શરૂ કર્યું છે, જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ પગલાંઓમાં ઔષધીય પાવડરનો છંટકાવ, મચ્છર પર નિયંત્રણ, જાગૃતિ પેદા કરવી અને શંકાસ્પદ કેસોની દેખરેખનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ગુજરાત વેધર : આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ક્યાં કેવો પડ્યો વરસાદ?
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા સત્તાવાળાઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રેતીની માખીઓને મારવા માટે ડસ્ટિંગ સહિત ચેપને રોકવા માટે નિવારક પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી દીધી છે.





