અમદાવાદ બાવળા હાઈવે પર ચાંગોદર નજીક સરી ગામના પાટીયા પાસે એક ઓક્સિજન ગેસ સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં આગ લાગતા વિસ્ફોટ થયો, આગ એટલી ભયંકર હતી કે, ટ્રકમાં બેઠેલા બે લોકો આગમાં અંદર જ ભૂંજાઈ ગયા. આ સિવાય એક રાહદારી મહિલા ઘાયલ થઈ હતી, જેને સારવાર માટે તત્કાલીન હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંગોદર નજીક સરી ગામના પાટીયા પાસે મેલડી માતાના મંદિર નજીક એક ઓક્સિજન સિલિન્ડર લઈ જતી આઈસર ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી, ડ્રાઈવર અને ક્લીનર કઈ સમજે તે પહેલા જ ગેસના કારણે આગે ટૂંક જ સમયમાં પૂરી ટ્રકને લપેટામાં લઈ લીધી હતી. અને બંને લોકો આગના લપેટામાં આવી જતા, મોતને ભેટ્યા હતા.
અમદાવાદ રાજકોટ મેઈન હાઈવે પર ટ્રકમાં આગની ઘટનાથી હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી.
આગની ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી, તો પોલીસે ટ્રાફિક જામને દુર કરવાની તજવીજ હાથ દરી હતી.
આ પણ વાંચો – વડોદરા ચોરી કેસ : ટોળાથી બચવા મહિલાઓએ રસ્તા પર કપડા ઉતારી દીધા
આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી. બે મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે રાહદારી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. ફાયર વિભાગ હવે આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરી.





