ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત વિવિધ મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ અને 16 મંત્રીઓએ શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકારના 16 મંત્રીઓમાં મોટાભાગના મંત્રીઓ 50 વર્ષની ઉપરના ઉંમરના મંત્રીઓ છે. મંત્રીમંડળમાં સૌથી ઓછી ઉંમરના મંત્રી હર્ષ સંઘવી છે.
ગુજરાતના નવા મંત્રીમંડળની ઉંમર, આવક અને ભણતરની વિગતો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રેકોર્ડ બ્રેક જીત હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રીના શપથ લીધા છે. તેમની સાથે કુલ 16 કેબિનેટ મંત્રીઓએ પણ શપથલીધા છે, જેમાં માત્ર એક રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા એક માત્ર મહિલામંત્રી છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને રાજ્યકક્ષાના મંત્રીની સાથે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તો 8 કેબિનેટ કક્ષાના મંત્રી અને 6 રાજ્યકક્ષાના મંત્રી છે.
50થી ઓછી ઉંમરના માત્ર 3 મંત્રી
નવા મંત્રીમંડળમાં સામેલ 17માંથી 3 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી ઓછી છે, જેમાં હર્ષ સંઘવીની ઉંમર 37 વર્ષ, જગદીશ વિશ્વકર્માની 49 વર્ષ અને ભાનુબેન બાબરીયાની વય 47 વર્ષ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉંમર 60 વર્ષ છે. સૌથી મોટી વયના મંત્રીઓમાં પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇની ઉંમર 71 વર્ષ છે. તો મોડાસાના ભીખુસિંહ પરમાર 68 વર્ષના જસદણના કુંવરજી બાવળિયા 67 વર્ષના અને દેવગઢ બારિયાના બચુ ખાબડ 67 વર્ષના છે.

નવા કેબિનેટમાં 16 મંત્રી કરોડપતિ, સિદ્ધપુરના ધારાસભ્ય સૌથી વધુ ધનવાન
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત સામેલ 17 મંત્રીઓમાંથી 16 મંત્રીઓ કરોડપતિ છે. જેમાં સૌથી વધુ 372 કરોડ રૂપિયાની સંપતિ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંત રાજપૂત સૌથી ધનિક મંત્રી છે. ત્યારબાદ 53.52 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પુરૂષોત્તમ સોલંકી બીજા ક્રમે અને 29 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે જગદીશ વિશ્વકર્મા ત્રીજા ક્રમના સૌથી ધનવાન મંત્રી છે. કેબિનેટમાં સામેલ સૌથી ઓછી સંપત્તિ ધરાવનાર મંત્રી દેવગઢ બારિયાના બચુ ખાબડ છે, તેમની પાસે 92.85 લાખ રૂપિયાની સંપત્તિ છે.

કેબિનેટમાં સૌથી ઓછું ભણતર હર્ષ સંઘવીનું, માત્ર 9 પાસ
ગુજરાતના નવા મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ધારાસભ્યોના અભ્યાસ-ભણતરની વાત કરીયે તો ગત અગાઉ રાજ્યના ગૃહમંત્રી રહેલા હર્ષ સંઘવી સૌથી ઓછું ભણેલા છે. સુરતના મજૂરા બેઠક પર ચૂંટણી જીતનાર હર્ષ સંઘવી માત્ર ધોરણ 9 પાસ છે. તો સૌથી વધારે ભણેલા મંત્રીમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર છે, તેઓ પીએચડી સુધી ભણેલા છે.
એક મંત્રી ધોરણ-10 પાસ, બે મંત્રી ધોરણ-11 પાસ છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસ.એસ.સી અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. અન્ય મોટાભાગના મંત્રીઓ કોલેજ અને બીએડ સુધી ભણેલા છે.