/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Bhupendra-Patel.jpg)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Express File Photo)
Ahmedabad News : અમદાવાદની એક ખાનગી શાળામાં જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત હોબાળો મચી ગયો હતો. કથિત રીતે હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી રાઇટ વિંગ કાર્યકરોએ મંગળવારે વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પ્રદર્શનના વીડિયોમાં જોઈ શકાય છે કે એક શિક્ષકને માર મારવામાં આવી રહ્યો છે.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં 29 સપ્ટેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. શાળાએ માફી માગતાં કહ્યું હતું કે આ કાર્યક્રમના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓને વિવિધ ધર્મોની પ્રથાઓથી વાકેફ કરવાનો છે અને કોઈ પણ વિદ્યાર્થીને નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવ્યું નથી.
આ કાર્યક્રમનો વીડિયો સ્કૂલના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક વર્ગનો એક વિદ્યાર્થી નમાઝ અદા કરતો જોઇ શકાય છે. આ પછી અન્ય ચાર વિદ્યાર્થીઓ પણ તેની સાથે 'લબ પે આતી હૈ દુઆ' ગાય છે. બાદમાં આ વીડિયોને સ્કૂલના ફેસબુક પેજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ અને અન્ય દક્ષિણપંથી સંગઠનોએ શાળા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે શાળાઓમાં આવા કાર્યક્રમો યોજીને કેટલાક લોકો રાજ્યના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવા માગે છે. કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેઓ શું કરી રહ્યા છે તેની પણ ખબર ન હતી. આ બિલકુલ સ્વીકાર્ય નથી. અમે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા પાછળની માનસિકતા અને ઇરાદાને જાણવા માટે તપાસ કરીશું અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જેમણે કશું પણ ખોટું કર્યું છે તેમને અમે છોડીશું નહીં.
આ પણ વાંચો - ડેટામાં ખૂલાસો! ગુજરાતની 74 ટકા યુનિવર્સિટીઓમાં NAAC માન્યતાનો અભાવ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના મીડિયા કો-ઓર્ડિનેટર મીત ભાવસારે જણાવ્યું હતું કે અમને એક વીડિયો મળ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે આ શાળાના હિન્દુ વિદ્યાર્થીઓને એક પ્રવૃત્તિ દરમિયાન નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમારા વિરોધ બાદ સ્કૂલ મેનેજમેન્ટે માફી માંગી છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ નહીં થાય તેવી ખાતરી પણ આપી છે. અહીં માત્ર હિન્દુ વિદ્યાર્થીઓ જ પ્રવેશ લે છે.
આ કાર્યક્રમના વીડિયોમાં એક શિક્ષક વાદ્ય વગાડતા જોવા મળ્યા હતા. તેમને મંગળવારે એક વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને ગુસ્સે ભરાયેલા માતા-પિતાએ માર માર્યો હતો. આ અંગે હજી સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. સ્કૂલ મેનેજમેન્ટે લેખિત માફી માંગતા કહ્યું હતું કે તેઓ આગામી વખતે સાવચેતી રાખશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us