HMPV virus in Ahmedabad : Hmpv વાયરસ ગુજરાતી આવી પહોંચ્યો છે. થોડા દિવસોથી ચીનમાં કોરોના જેવા ભયાનક વાયરસ એચએમપીવીએ તરખાટ મચાવ્યો છે. ત્યારે હવે એચએમપીવી વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. કર્ણાટક અને બેંગલુરુમાં એક એક નોંધાયા બાદ ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ નોંધાયો છે. ગુજરાતમાં આ વાયરસની એન્ટ્રી થઈ હોવાનો શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથેનું બે મહિનાનું બાળક સારવાર લઈ રહ્યું છે.
અમદાવાદ બે મહિનાનું બાળક સારવાર હેઠળ
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. અલગ અલગ વાઇરસ અત્યારે હોવાના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
લેબોરેટરીમાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં રિપોર્ટમાં HMPV હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે કોઈ ગભરાવવા જેવું નથી. જો શરદી, ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે બાળકને 24 ડીસેમ્બરે દાખલ કરવામાં આવ્યું હતું અને 26 ડીસેમ્બરના રોજ રિપોર્ટ આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનને જાણ ન કરવામાં આવતા પગલાં લેવાશે.
આ પણ વાંચોઃ- સાવધાન! ચીનના ખતરનાક HMPV વાયરસની ભારતમાં દસ્તક? પ્રથમ કેસ બેંગલુરુમાં નોંધાયો
HMPV વાયરસ જુનો છે, ડરવાની જરુર નથી: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે. ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે.





