Chotila Rajkot Highway Ambulance Accident : ચોટીલા રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ગત મોડી રાત્રે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સની ટ્રક સાથે અથડામણ થઈ હતી. દર્દીનો બચાવ, પરંતુ તેમની સાથે રહેલ પરિવારના બે સભ્યો સહિત એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું મોત.
ચોટીલા રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત
રાજકોટ ચોટીલા હાઈવે પર ગત રાત્રે 10.30 કલાક આસપાસ એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, તથા દર્દીની સાથે રહેલ તેમના બહેન અને 18 વર્ષિય દીકરી અને ડ્રાઈવરનું સ્થળ પર જ મોત થયું છે.
બહેન, દીકરી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું મોત
સ્થાનિક વાહન ચાલકોએ અકસ્માતની જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે 108 એમ્બ્યુલન્સ પર અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ ત્રણ લોકોએ દમ તોડી દીધો હતો.
દર્દીને ચોટીલાથી રાજકોટ લઈ જતા સમયે થયો અકસ્માત
વિગતે ઘટનાની વાત કરીએ તો, ચોટીલાના રાજપરા ગામે રહેતા કાજલબેન મકવાણા (દર્દી) ને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબીયત વધારે બગડતા તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ સમયે દર્દી સાથે તેમના બહેન, બનેવી, દીકરી અને દીકરો હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
દર્દી કાજલબેનને પતિ, સાસુ-સસરાએ માર માર્યો હતો
નાની મોલડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ કે પરમારે, જેમના હેઠળ રાજપરા ગામ આવે છે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “કાજલબેન મકવાણાને તેમના પતિ અને તેના સસરા અને સાસુએ માર માર્યો હતો અને તેમને આંતરિક ઈજાઓ થઈ હતી. ચોટીલા હોસ્પિટલના ડોકટરોએ તેણીને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરી હતી, અને આ અકસ્માત સર્જાયો.”
આ પણ વાંચો – સુરેન્દ્રનગર અકસ્માત : ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર કાર ટ્રક પાછળ ઘુસી, ત્રણના મોત
પોલીસ અનુસાર, રાત્રે 10.30 કલાકે ચોટીલા રાજકોટ હાઈવે પર આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયાની જાણ થઈ હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં (1) ગીતાબેન મિયાત્રા, રહે. રાજકોટ (2) પાયલ મકવાણા ઉ.18, રહે. રાજપરા (3) વિજય બાવળિયા (એમ્બ્યુલન્સ ડ્રાઈવર, રહે, ચોટીલા શહેર) નું મોત થયું છે. જેમને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ચોટીલા પીઆઈ સાંગાડાએ એ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ, ટ્રક હાઇવેની બાજુની હોટલના પાર્કિંગમાંથી હાઇવે પર પ્રવેશી રહી હતી, આનાથી દેખીતી રીતે એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધિત થયો, જેના કારણે અકસ્માત થયો.” સંગાડાએ ઉમેર્યું, “અમે સીસીટીવી કેમેરામાં કેપ્ચર ફૂટેજનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, ટ્રક વિશે કડીઓ શોધવા માટે વિસ્તારથી તપાસ કરી રહ્યા છીએ.”