ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના ગરીબ, મધ્યમવર્ગ અને શ્રમિક નાગરીકો માટે બે મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં ઉજ્જવલા યોજનાના એલપીજી ગ્રાહકોને બે સિલિન્ડર મફત આપવાનો નિર્ણય અને સીએનજી તથા પીએનજીમાં 10 ટકા વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 38 લાખ જેટલા ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી સિલિન્ડર વાપરતા ગરીબ, મધ્યમવર્ગ અને શ્રમિક પરિવારોને ફાયદો થશે તો સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો થતા રીક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકોને મોટો ફાયદો થશે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીને બે મફત સિલિન્ડર આપવામાં આવશે
રાજ્ય સરકાર વતી જાહેરાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમારી સરકાર ગરીબ, મધ્યમર્ગ અને શ્રમિકો માટે કામ કરતી સરકાર છે. રાજ્ય સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દિવાળીમાં મોટી રાહત માટે બે એલપીજી ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય લીધો છે.
સીએનજી-પીએનજીમાં 10 ટકા વેટનો ઘટાડો
મંત્રી જીતુ વાઘાણીએ બીજી મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, સીએમ ભુપેન્દ્ર પટેલે નાણામંત્રી કનુભાઈ સાથે ચર્ચા વિચારણા બાદ સીએનજી અને પીએનજીમાં 10 ટકા વેટના ઘટાડાનો નિર્ણય લીધો છે. જેનાથી રાજ્યના અનેક વાહન ચાલકોને સીધો ફાયદો થશે.
મંત્રી વાઘાણીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લગભગ 1.20 કરોડ જેટલા એલપીજી ગ્રાહકો છે, જેમાંથી પીએમ ઉજ્જવલા યોજનાના લગભગ 38 લાખ લાભાર્થી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી દિવાળી સમયે 38 લાખ ગૃહિણીઓને ફાયદો થશે. ગ્રાહકોને આ સિલિન્ડરના પૈસા સીધા ખાતામાં આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
CNG અને PNGથી કોને કેટલો ફાયદો થશે
મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા સીએનજી અને પીએનજીમાં 10 ટકા ઘટાડાથી રાજ્યના 8થી 9 લાખ જેટલા રીક્ષા ચાલકો અને ચાર-પાંચ જેટલા અન્ય વાહન ચાલકોને સીધો ફાયદો થશે. સરકારે વધુ વિગત આપતા કહ્યું કે, સરકારના આ નિર્ણયથી સીએનજીમાં કિલોએ રૂપિયા 7થી 8 રૂપિયાનો પ્રજાને ફાયદો થશે. તો પીએનજી ગ્રાહકોને 50થી 55 રૂપિયાનો ફાયદો થશે.
સરકારને કેટલો બોઝો પડશે
મંત્રીએ આ મામલે જાહેરાત કરતા કહ્યું કે, મધ્યમવર્ગ, ગરીબ અને શ્રમિકોને દિવાળીના સમયમાં આર્થિક રાહત મળે તે માટે રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનામાં બે મફત સિલિન્ડર આપવા માટે 300 કરોડ રૂપિયા અને સીએનજી-પીએનજીમાં 10 ટકા વેટ ઘટાડવા 1000 કરોડ ફાળવવાનો નિર્ણય લીધો, આમ કુલ 1650 કરોડ રૂપિયા ગરીબ, મધ્યમવર્ગ અને શ્રમિકો માટે ખર્ચ કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
પીએમ મોદીએ ખેડૂતોને આપી દિવાળીની ભેટ
ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 12મો હપ્તો જાહેર કર્યો છે. જે અંતર્ગત દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોને 12મા હપ્તા માટે કેન્દ્ર સરકારે 16 કરોડ ફાળવ્યા છે.