scorecardresearch

ગુજરાતમાં 3 માર્ચથી CNGનું વેચાણ અચોક્કસ મુદ્ત સુધી બંધ, જાણો શું છે ડીલર માર્જિનનો મામલો

CNG sales stop in Gujarat : ગુજરાતના પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશને 3 માર્ચથી પેટ્રોલ પંપ પર સીએનજીનું વેચાણ અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યમાં લાખો સીએનજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

cng
ગુજરાતમાં પેટ્રોલ પંપો પર 3 માર્ચથી સીએનજીનું વેચાણ અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે

ગુજરાતના સીએનજી વાહનધારકો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ પંપો પર આગામી 3 માર્ચથી સીએનજી ગેસનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય ગુજરાત પેટ્રોલિયમ એસોસિેસન દ્વારા લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને સીએનજીના (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) વેચાણ પર પેટ્રોલ પંપોનું માર્જિન વધારવાની માંગણી ન સંતોષવામાં આવતા આ ફ્યૂઅલનું વેચાણ બંધ 3 માર્ચ, 2023ના રોજથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સીએનજીનું વેચાણ બંધ થતા ગુજરાતમાં 3 માર્ચથી લગભગ 14થી 15 લાખ સીએનજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

શા માટે સીએનજીનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો?

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની આજે યોજાયેલી મિટિંગમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી ડિલર માર્જિન વધારવામાં ન આવતા 3 માર્ચ, 2023ના રોજ સવારના 7 વાગેથી સીજીએનનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સંગઠન સાથે લગભગ 800 જેટલા પેટ્રોલિયમ પંપ સંચાલકો જોડાયેલા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી સીએનજીના વેચાણ પણ ડિલર માર્જિન વધારવાની માંગણી કરી રહ્યા છે.

50 ટકા માર્જિન વધારવાની માંગણી

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું કે, છેલ્લા 55 મહિનાથી અમે સીએનજી પર ડિલર માર્જિન વધારવાની માંગણી કરી રહ્યા છે તેમ છતાં હજી સુધી તેમાં વધારો કરાયો નથી. અમે સીએનજીના વેચાણ પાછળ વધેલા ખર્ચને ધ્યાનમાં વધારીને માર્જિનમાં લગભગ વાર્ષિક 10 ટકા વધારાની અપેક્ષા રાખીયે છીએ. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, આમ વર્ષ 2019થી સ્થિર માર્જિનમાં લગભગ 50 ટકાનો વધારો થવો જોઇએ. હાલ ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોને સીએનજીના વેચાણ પર પ્રતિ કિલોગ્રામ દીઠ 1.7 રૂપિયા માર્જિન મળે છે. જે વધીને 2.3 રૂપિયા થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં દરરોજ 35 લાખ કિગ્રા સીએનજીનું વેચાણ

ફેડરેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, ગુજરાતમાં દરરોજ 35 લાખ કિલોગ્રામ સીએનજીનું વેચાણ કરવામાં આવે છે. 1 જુલાઇ, 2019થી સીએનજી ડીલરનું માર્જિન વધ્યું નથી. આ સંગઠનના સીએનજી ડીલરો આઇઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ પાસેથી સીએનજી ખરીદે છે અને તેમના માર્જિનમાં જુલાઇ 2019થી કોઇ વધારો કર્યો નથી.

સીએનજીના ભાવ છેલ્લા પાચંકે વર્ષમાં 25 ટકા વધ્યા

પ્રમુખે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સીએનજીનો સરેરાશ ભાવ 80 રૂપિયા પ્રતિ કિગ્રા છે. છેલ્લા પાંચેક વર્ષમાં સીએનજીના ભાવ પ્રતિ કિગ્રા દીઠ 25 ટકા જેટલા વધ્યા છે.

લાખો સીએનજી વાહનોને મુશ્કેલી પડશે

તેમણે ઉમેર્યું કે, એક પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં 10 લાખ સીએનજી રીક્ષા અને 4 લાખ સીએનજી કાર છે. અમે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલયમાં સીએનજી ડિલરનું માર્જિન વધારવા સતત ભલામણો કરી રહ્યા છે તેમ છતાં હજી સુધી ત્યાં સંતોષકારક કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. નોંધનીય છે કે, સીએનજીનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેવાથી સીએનજી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પેટ્રોલ-ડીઝલનું માર્જિન પણ વર્ષ 2017થી વધ્યુ નથી

ફેડરેશનના સેક્રેટરીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, સીએનજીની તેમજ પેટ્રોલ-ડીઝલનું ડીલર માર્જિન પણ છેલ્લા 2017થી વધ્યુ નથી. અમે ઘણા સમયથી આ પેટ્રોલ-ડીઝલનું ડીલર માર્જિન વધારવાની માંગણી કરી રહ્યા છે. હાલ પેટ્રોલ પર ડીલરનું માર્જિન પ્રતિ લિટર 3 રૂપિયા અને ડીઝલ પર 2 રૂપિયા પ્રતિ લિટર છે. તેમણે સ્પષ્ટતા કરી કે, હાલ અચોક્કસ મુદ્દતની હડતાળનું આહ્વાન માત્ર સીએનજીનુ ડીલર માર્જિન વધારવા માટે જ કરવામાં આવી છે.

Web Title: Cng sales stop at petrol pump in gujarat what is dealers margin controversy

Best of Express