Gujarat winter Today Weather, Aaj Nu Havaman : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. લોકોને ગરમીથી સંપૂર્ણ રાહત મળી છે.એવું માનવામાં આવે છે કે દિવાળી સુધી ઠંડી વધુ વધશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદ અને પર્વતોમાં હિમવર્ષાને કારણે લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે. દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે.
નલિયામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી પહોંચ્યું છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રીથી લઈને 23.7 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. નલિયામાં રાજ્યનું સૌથી નીચું 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ શિયાળો સામાન્ય કરતાં વધુ ઠંડો રહેવાની 71% શક્યતા
લા નીનાની અસર ખાસ કરીને ઉત્તર ભારતમાં જોવા મળી શકે છે. લા નીના એક કુદરતી હવામાન ઘટના છે, જે પ્રશાંત મહાસાગરમાં ઠંડા પાણીને કારણે થાય છે. તે અલ નીનો (ગરમ પાણી) ની વિરુદ્ધ છે. જ્યારે લા નીના થાય છે, ત્યારે ભારતના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઠંડી વધે છે.
આના કારણે ઉત્તર ભારતમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વધુ હિમ અને શીત લહેર આવે છે. યુએસ નેશનલ વેધર સર્વિસના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે લા નીના વિકસિત થવાની 71% શક્યતાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આગાહી કરી છે કે લા નીનાની અસરને કારણે આ શિયાળો સામાન્ય કરતાં વધુ ઠંડો રહેવાની 71% શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ શું કહે છે?
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 સુધી શિયાળો ઠંડો રહેશે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ખાસ કરીને પ્રભાવિત થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ શિયાળામાં તાપમાન સામાન્ય કરતા 0.5-1 ડિગ્રી ઓછું રહેશે.
આ પણ વાંચોઃ- GFCI ની 38મી એડિશનમાં ગિફ્ટ સિટી ત્રણ ક્રમની છલાંગ લગાવીને વિશ્વમાં 43મા સ્થાને પહોંચી
ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શીત લહેરની અપેક્ષા છે. જોકે, તીવ્ર અથવા રેકોર્ડબ્રેક ઠંડીની પુષ્ટિ થઈ નથી. દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 4-6 ડિગ્રી ઘટી શકે છે.