ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે સિનીયર નેતાઓના રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપમાંથી પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે રાજીનામું આપ્યું તો કોંગ્રેસના ઈન્ચાર્જ પદ પરથી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકમાં જ ભાજપમાં જોડાઈ ગયા છે.
હિમાંશુ વ્યાસે ભાજપ સાથે જોડાઈ કેસરીયો ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્યલ વર્ષાબેન દોશીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું વિદ્યાર્થીકાળથી રાજકારણ સાથે જોડાયેલો છુ. હું સંગઠનનો માણસ છુ, પક્ષ મને જે જવાબદારી સોંપશે તે હું નિભાવીશ. આટલા વર્ષોથી રાજકારણમાં હોવા છતા સુષુપ્ત અવસ્થામાં હતો. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ફેઈલ ગયું છે, હું ગતિશિલ પક્ષ સાથે જોડાયો છું, મને પીએમ મોદી અને અમિતશાહે આશિર્વાદ આપ્યા છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે બે વખત ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમની હાર થઈ હતી. તેઓ સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. આ બાજુ સિદ્ધપુરના નેતા અને ભાજપના પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચુકેલા જય નારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
ભાજપના નેતા જય નારાયણ વ્યાસે કહ્યું કે, “મેં રાજીનામું આપ્યું છે તે સાચું છે. છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લામાં સંગઠનમાં બેઠેલા લોકો ચૂંટણી લડવા અને જૂથબંધી કરી રહ્યા છે. તે નેતાઓને હટાવવા અને બદલવા માટે એક પછી એક નિશાન બનાવી રહ્યા છે.” તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, જોકે તેમણે તેનો ખુલાસો કર્યો નથી. બીજી તરફ ભાજપના સૂત્રોનું કહેવું છે કે, હજુ સુધી તેમણે વ્યાસનો રાજીનામું પત્ર મળ્યો નથી.
આ પણ વાંચો – જય નારાયણ વ્યાસે કેમ આપ્યું રાજીનામું? કર્યો ખુલાસો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વ્યાસ પર નિશાન સાધ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે, જયનારાયણ વ્યાસ 32 વર્ષ સુધી ભાજપ સાથે રહ્યા અને છેલ્લા 10 વર્ષમાં બે વખત ચૂંટણી હારી ગયા. તેમ છતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ તેમના રાજીનામાનું કારણ હોઈ શકે છે.