congress national convention : ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં આ અધિવેશન યોજાશે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના મોટા નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, શશી થરૂર, અશોક ગેહલોત સહિતના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલના રોજ સવારે 8:45 વાગ્યે અમદાવાદ આવશે. એરપોર્ટથી તેઓ હયાત જશે અને ત્યાંથી CWC બેઠક માટે જશે.
આમંત્રિતો સહિત 1900 સભ્યો ઉપસ્થિત રહેશે
8 એપ્રિલે CWC બેઠક અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિતો સહિત 1900 સભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટેલના બે હજાર રૂમ બુક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લે માર્ચ 2019 માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી.
1902માં ગુજરાતમાં પ્રથમવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળ્યું હતું. વર્ષ 1907માં સુરત, 1921માં અમદાવાદ, 1938માં બારડોલીના હરિપુરા અને 1961માં ભાવનગર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં મળ્યું હતું. ત્યારબાદ હવે 2025માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે.
8 એપ્રિલે – કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક
8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખ, વર્કિંગ કમિટીના સભ્યો, ધારાસભ્ય દળના નેતા હાજર રહેશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. સાંજે 7 વાગે અધિવેશન સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
9 એપ્રિલે – અધિવેશનની બેઠક મળશે
9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે. અહી એજન્ડા પર ચર્ચા થશે.