વડોદરા પોલીસે શનિવારે એક વ્યક્તિ વિરુદ્ધ બે અલગ-અલગ એફઆઈઆર નોંધી છે – ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારી તરીકે કથિત રીતે કામ કરતો હોવાની ઓળખ આપવા બદલ અને મુંબઈની એક મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે, વિરાજ પટેલ પોતાને CMO અધિકારી કહેતો હતો.
ગાંધીનગરના સરગાસણ ગામના રહેવાસી વિરાજ અશ્વિન પટેલ તરીકે ઓળખાતા આરોપીએ શુક્રવારે મોડી રાત્રે વડોદરાના મલ્ટીપ્લેક્સમાં બોલાચાલી દરમિયાન પોતાને ગાંધીનગરના CMOના અધિકારી અને GIFT સિટીના ચેરમેન તરીકે ઓળખાવ્યો હતો. જ્યારે પોલીસે તેની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો, ત્યારે તેની સાથે રહેલી મહિલાએ પણ પટેલ વિરુદ્ધ 8 એપ્રિલથી ગિફ્ટ સિટીની “બ્રાન્ડ એમ્બેસેડર” બનાવવાનું વચન આપીને તેના પર અનેક વખત બળાત્કાર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એક પોલીસ ઇન્સ્પેક્ટરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, પટેલની રવિવારે ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવશે અને અન્ય વ્યક્તિઓની સંભવિત સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું, “અત્યાર સુધી, અમે જાણીએ છીએ કે, તેણે બનાવટી ઓળખ દસ્તાવેજો આપ્યા હતા અને સરકારી અધિકારી હોવાનો પણ ઢોંગ કર્યો હતો. મહિલાના બળાત્કારના સંદર્ભમાં, અમે તપાસ કરીશું કે, અન્ય વ્યક્તિઓ પણ આ ગુનામાં સામેલ હતા કે કેમ, કારણ કે એક અન્ય ફોન કૉલ્સ ફરિયાદીને મળ્યો હતો.” એક અન્ય વ્યક્તિએ તેણીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોકરીની ઓફર કરી અને તેણીને પટેલ સાથે જોડી દીધી. અમે એ વાતની પણ તપાસ કરીશુ કે, શું કોઈ એજન્સી આવી ભોળી મહિલાઓને આવી રીતે જાળમાં ફસાવવામાં સામેલ હતી કે કેમ. પટેલની ઔપચારિક ધરપકડ બાદ તેની પૂછપરછ બાદ ઘણુ સ્પષ્ટ થશે.
પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શુક્રવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે મલ્ટિપ્લેક્સની અંદર મારપીટની ફરિયાદ મળી હતી. જ્યારે તે સ્થળ પર પહોંચ્યા ત્યારે પટેલે પોતાની ઓળખ CMOના કર્મચારી અને GIFT સિટીના ચેરમેન તરીકે આપી હતી.
શું છે પ્રથમ ફરિયાદમાં?
પ્રથમ FIRમાં જણાવ્યું હતું કે, “તેમણે કહ્યું કે, તેમની સાથે આવેલી મહિલાને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી, પરંતુ બંનેને બ્રાન્ડ એમ્બેસેડરના પદ પર નજર રાખતી અન્ય મહિલા તરફથી ખતરો હતો. તેથી, સુરક્ષા માટે બંનેને વડોદરામાં રાખવામાં આવ્યા હતા. પટેલના આધાર કાર્ડની ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે, તેણે દસ્તાવેજમાં તેની અટક આપી ન હતી, જ્યારે તેણે વિરાજ શાહ તરીકે પોતાનું નામ ઉમેરવા માટે નકલી પાન કાર્ડ બનાવ્યું હતું. આરોપીનું, તે CMO સ્ટાફ અને GIFTનો ચેરમેન છે તે નિવેદન ખોટું હતું.”
બીજી ફરિયાદમાં શું છે?
બીજી એફઆઈઆરમાં, મુંબઈની મહિલાએ જણાવ્યું હતું કે, તેણીને કથિત રીતે સૌપ્રથમ એક એજન્સી તરફથી ફોન આવ્યો હતો, જેમાં તેણીને કહ્યું હતું કે, તેણીને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી છે, જેના માટે ટૂંક સમયમાં ગુજરાત અને દુબઈમાં શૂટિંગ કરવામાં આવશે.
મહિલાએ કહ્યું, “એજન્ટે મને પટેલનો નંબર આપ્યો અને તે મને મળવા મુંબઈ આવ્યો. તેણે મને કહ્યું કે, મને મુંબઈમાં એક ફ્લેટ પણ આપવાનો છે, જેના માટે તે મને આખો દિવસ પ્રોપર્ટી જોવા માટે લઈ ગયો. તે સાંજે પછીથી, તેણે મને કહ્યું કે, તે માલદીવ માટે ખાનગી જેટ ઉડાડવાની પરવાનગીની રાહ જોઈ રહ્યો છે અને ત્યાં સુધી મને તેની સાથે રાહ જોવાની વિનંતી કરી. તેણે મને 70 લાખ અને 5 લાખ રૂપિયાના બે બેંક ચેક આપ્યા. સવારે 2 વાગ્યે તેણે મને કહ્યું કે, ગોવા તરફથી પરવાનગી મળી છે અને તેઓએ મને માલદીવમાં તેમની સાથે આવવાનું આમંત્રણ આપ્યું. હું સંમત થઈ અને અમે સવારે 5 વાગ્યે ગોવા જવા નીકળ્યા.
મહિલાની ફરિયાદીના જણાવ્યા મુજબ, ગોવામાં જ્યારે પટેલે મહિલાના ખાતામાંથી કથિત રીતે 35 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, “તેના માતા-પિતા ‘સરપ્રાઇઝ સગાઈ’ માટે યુએસથી આવતા હોવાની કહાની બનાવી” બાદમાં, તેણે કથિત રીતે તેના પર જબરદસ્તી કરી અને દરરોજ વારંવાર મહિલા પર બળાત્કાર કર્યો.
આ પણ વાંચો – શિકારી ખુદ શિકાર? ‘વ્હિસલ બ્લોઅર’ તરીકે જાણીતા યુવરાજસિંહ જાડેજા પર શું આરોપ, કેમ થઈ ધરપકડ?
કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
પોલીસ દ્વારા પોતાની રીતે દાખલ કરાયેલી પ્રથમ એફઆઈઆરમાં, પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 170 (જાહેર સેવક તરીકે હોદ્દો રાખવાનુમ નાટક), 417 (છેતરપિંડી માટે સજા), 467 (મૂલ્યવાન સુરક્ષા માટે બનાવટી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 468 (છેતરપિંડી કરવાના ઉદ્દેશ્ય સાથે દસ્તાવેજમાં બનાવટી) અને 471 (બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે અપ્રમાણિક ઉપયોગ). મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી બીજી એફઆઈઆરમાં, તેના પર આઈપીસી કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા), અને 376 (2) (એન) (એ જ મહિલા પર વારંવાર બળાત્કાર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો