Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરો વિવાદનું કેન્દ્ર બન્યા હતા. આ પોસ્ટરોમાં મહિલાઓ માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા આખરે ટ્રાફિક પોલીસ દ્વારા ઘાટલોડિયા, ચાણક્યપુરી અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાંથી વિવાદિત લખાણવાળા પોસ્ટરોને હટાવી દેવામાં આવ્યા છે. હવે માત્ર ટ્રાફિક જાગૃતિ માટેના જ પોસ્ટરો રાખવામાં આવ્યા છે.
વિવાદાસ્પદ બોર્ડમાં શું હતું
આ વિવાદાસ્પદ બોર્ડમાં મહિલાઓની સુરક્ષા સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે ‘એ…રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં…રેપ-ગેંગરેપ થઈ જાય તો…? અન્ય એક બોર્ડમાં લખવામાં આવ્યું છે કે એ…રંગલા રાતની પાર્ટીઓમાં જવાનું નહીં… રેપ-ગેંગરેપ થઈ શકે છે.
શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા સ્પોન્સર કરેલી એક સંસ્થા દ્વારા શહેરમાં લગાવવામાં આવેલા ‘મહિલા સુરક્ષા’ પરના પોસ્ટરો પર મોટા અક્ષરોમાં આવું લખવામાં આવ્યું હતું. તેના કારણે લોકોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે અને શહેર ટ્રાફિક પોલીસના નિર્ણય અને જવાબદારી સામે સવાલ ઉભા કર્યા હતા.
અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને શું કહ્યું
અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટસના આધારે વિવાદિત પોસ્ટરો અંગે માહિતી પ્રાપ્ત થઇ હતી કે અમદાવાદના કેટલાક વિસ્તારો છોકરીઓએ એકલામાં જવાની કે પાર્ટીમાં જવા માટે આપત્તિજનક ટીપ્પણીઓ દર્શાવતા બેનર સતર્કતા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં નીચે સ્પોન્સર બાય ટ્રાફિક પોલીસ એમ લખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત
તેમણે કહ્યું કે આ ઘટનાને ધ્યાને લઇ તાત્કાલિક બેનરો દૂર કરવામાં આવ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ટ્રાફિક જાગૃતિને લઇને બેનર લગાવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક અવરનેસના દાયરાથી બહાર જઇને આ પ્રકારના વિવાદાસ્પદ બેનર લગાવવામાં આવતાં સોલા પોલીસમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ બેનર કોની પરવાનગીથી લગાવવામાં આવ્યા હતા? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધી હતી કે નહી? કયા ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યા હતા અને કોના દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ વિભિન્ન પાસાઓને તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઇનો ક્રિમિનલ ઇરાદો હશે તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એન.એન.ચૌધરીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સતર્કતા સમૂહને જાતીય હિંસાને લગતા સંદેશા નહીં પણ ટ્રાફિક અવેરનેસ પોસ્ટર લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. અમે આવી ભાષાને ક્યારેય મંજૂરી આપી નથી. આ અસ્વીકાર્ય છે.





