pamphlet defaming CR Patil : ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત ધારાસભ્ય સંગીતા પાટીલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદિપ દેસાઈ સહિતના ભાજપના નેતાઓને બદનામ કરતી પત્રિકાના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગમપત વસાવાના પીએ સહિત ત્રણની ધરપકડ કરી છે.
શું હતો મામલો?
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો તરફથી મળી માહિતી અનુસાર, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત સંગીતા પાટીલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદિપ દેસાઈ જેવા નેતાઓ વિરુદ્ધ પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવામાં આવી હતી, જેમાં વીડિયોમાં જીતેન્દ્ર શાહ નામના વ્યક્તિ દ્વારા આક્ષેપ હતો કે, આ નેતાઓએ ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયાની ગેરરિતી કરી છે.
સૂત્રો અનુસાર, 15 જૂને ધારાસભ્ય સંદિપ દેસાઈને એક વાદળી રંગનું કવર પોસ્ટમાં મળ્યું હતું, જેમાં એક પત્રીકા અને પેન ડ્રાઈવ હતી. આ પેન ડ્રાઈવમાં વીડિયો હતો, જેમાં અમદાવાદના જિતેન્દ્ર શાહ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે જીતેન્દ્ર શાહ વિરુદ્ધ ખંડણી મામલે ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી, આ સિવાય પત્રિકામાં સીઆર પીટીલ સહિત ભાજપના નેતાઓને બદનામ કરતા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંદિપ દેસાઈએ ભાજપ પાર્ટીના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
પત્રીકા અને પેનડ્રાઈવ કોણે મોકલી?
સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરતા આ કવર દીપુ યાદવ અને ખુમાન સિંહ પટેલ દ્વારા ભરૂચ અને પાલેજ સ્ટેશનથી પોસ્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ બંનેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા પત્રીકામાં લખાણ અને પેન ડ્રાઈવ ગણપત વસાવાના પીએ અને ઉમરપાડા તાલુકાના પ્રભારી રાકેશ સોલંકી દ્વારા પોસ્ટ કરવા આપી હોવાનું કબુલ્યું હતુ.
કેમ પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવામાં આવી
સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્યારબાદ ગણપત વસાવાના પીએ રાકેશ સોલંકીની અટકાયત કરી કડક રીતે પુછપરછ હાથ ધરતા તેમણે જણાવ્યું કે, સીઆર પાટીલનું કદ વધી રહ્યું હતું, આ વિધાનસભા ચૂંટણીમાં 152 સીટો આવતા તેમને પક્ષમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં ન આવે તે માટે પોતાની ઓફિસના એક કર્મચારી હેમંત પરમાર પાસે એક પત્રિકા ટાઈપ કરાવી હતી, અને પેન ડ્રાઈવ ઈરફાન કાપડીયા પાસે મંગાવી હતી.
ત્રણે આરોપીની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણે આરોપીઓ દીપુ યાદવ અને ખુમાન સિંહ પટેલ અને રાકેશ સોલંકીની ધરપકડ કરી લીધી છે, અને આઈપીસી કલમ 169, 500, 501, 120 (બી) ગુનો નોંધી આ મામલામાં રાકેશ સોલંકીએ જાતે આ કામ કર્યું છે કે અન્ય કોઈ પણ આમાં સામેલ છે? શું તેમણે કોઈના ઈશારે આ કામ કર્યું? તે દિશામાં તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.