Crocodile Attack Vadodara Vishwamitri River : વડોદરામાં વધુ એક વખત મગર દ્વારા માનવ પર હુમલાની ઘટના સામે આવી છે. આ વખતે મગર યુવાનને નદીમાં ખેંચી ગયો, ત્યારબાદ ફાયર વિભાગે રેસક્યુ હાથ ધર્યું, પરંતુ યુવાનનો મૃતદેહ જ મળી આવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ભીમનાથ બ્રિજ નજીક એક યુવાન નદી કિનારે ગયો હશે તે સમયે મગરે તેને જબડામાં ભરાવી નદીમાં ખેંચી ગયો હતો. આ દ્રશ્યને નજરે જોનારે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર પહોંચી અને રેસક્યુ હાથ ધર્યું હતું, પરંતુ યુવાનનો જીવ બચાવી શકાયો નથી.
આજે વહેલી સવારે યુવાન નદી કિનારે ગયોહશે તે સમયે મગરે તેના પર હુમલો કર્યો અને પકડી સીધો પાણીમાં ખેંચી ગયો, એક વ્યક્તિએ આ જોયું તો તેણે તુરંત પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી તો યુવાનને મગર નદીમાં દુર સુધી ખેંચી ગયો હતો.
ફાયર વિભાગે લગભગ 1.30 કલાક જેટલું રેસક્યુ કામગીરી કરી, રસ્તો સાંકડો અને નદીમાં અનેક મગર હોવાના કારણે રેસક્યુ કરવામાં તકલીફ પડી, પરંતુ ભારે જહેમત બાદ બ્રિજ પરથી હોડી ઉતારી લાશ બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
ઘટના સ્થળ પર પોંલીની ટીમ પણ પહોંચી ગઈ હતી, લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી. રેસક્યુ ઓપરેશન જોવા માટે લોકોના ટોળે ટોળા બ્રિજ પર ભેગા થઈ ગયા હતા. યુવક કોણ છે, તે મામલે પોલીસ તપાસ શરૂ કરી તેની ઓળખ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલા એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ વડોદરાના તળાવ પાસે એક યુવાનને મગર ખેંચી ગયો હતો, અને તેનો જીવલીધો હતો. વડોદરામાં અનેક વખત મગર જ્વારા માનવ પર હુમલાની ઘટના સામે આવી ચુકી છે.
આ પહેલા ઓગસ્ટ મહિનામાં વડોદરાના તળાવમાંથી 30 વર્ષીય યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, જિલ્લાના પોર નજીકના સરાર ગામમાં એક તળાવમાંથી રવિવારે તેને મગર ખેંચીને લઈ ગયો હતો. આ ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે દિલીપ પરમાર ખેતરમાં કામ પરથી પરત ફરી રહ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. રસ્તામાં પરમાર મોઢું ધોવા માટે ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે બનાવેલા તળાવ પાસે રોકાયો.
મૃતકના પરિવારના જણાવ્યા મુજબ પરમાર પર પાંચ ફૂટ લાંબો મગર હુમલો કરીને તેને તળાવમાં ખેંચી ગયો હતો. ઘટનાસ્થળે દોડી આવેલી વડોદરા ફાયર બ્રિગેડની ટીમે રવિવારે મોડી રાત સુધી શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ પરમાર મળી શક્યો ન હતો. સોમવારે સવારે, સર્ચ ઓપરેશન ફરી શરૂ થતાં, પરમારનો મૃતદેહ મળી આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે, વડોદરા તથા આજુ બાજુના ગામની નદી તથા તળાવોમાં મોટી સંખ્યામાં મગર રહે છે. સૌથી વધારે મગર વડોદરાની વિશ્વામિત્ર નદીમાં રહે છે. વન વિભાગ અનુસાર, વડોદરામાં 250થી 300 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની સંખ્યા 1000 જેટલી થાય છે.