Cyclone Biparjoy Gujarat alert and forecast : ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં બિપરજોય સાયક્લોનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ અને રાજ્યના જિલ્લાઓમાં અગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 40-50 કિમી સ્પીડે પવન ફૂંકાવાની પણ જાહેરાત કરી છે.
ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ન જવા અને જે લોકો દરિયામાં હોય તેમને ઝડપીમાં ઝડપી કિનારે પાછા ફરવા જણાવવામાં આવ્યું છે. દરિયાકાંઠે નજીકમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના બંદરો પર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગ લેટેસ્ટ આગાહી
કચ્છ, જામનગર અને દ્વારકામાં 16 તારીખ ભારે
16 તારીખ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે ભારે માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં શુક્રવારે રેડ એલર્ટ લગાવ્યું છે, અહીં ભારેથી અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ રહેશે. તો જોઈએ કઈ તારીખે ક્યા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ.
12-06-2023 : આગાહી
ગાંધીનગર, અમદાવાદ, આણંદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ સાથે 30-40થી 50 કિમીની જડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
13-06-2023 : આગાહી
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા સહિત કચ્છ, દીવ, દાદરાનગર હવેલીના તમામ જિલ્લામાં ભારે વરસાદ સાથે 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વધારે છે.
14-06-2023 : આગાહી
સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદની સંભાવના, સાથે 50-60 કિમીની ઝડપે વાવાઝોડુ ફૂંકાઈ શકે છે. જ્યારે દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ અને 40 કિમીની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.
15-06-2023 : આગાહી
15 તારીખ અને 16 તારીખ સવાર સુધીમાં કચ્છ, દ્વારકા અને જામનગરમાં વોર્નિંગ આપવામાં આવી છે. અહીં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના વધુ છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં છૂટાછવાયા વસ્તારોમાં ગાજવીડ સાથે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદની સંભાવના વધુ છે.
16-06-2023 : આગાહી
તો 16 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં અતિભારે વરસાદ સાથે 75થી 85 કિમીની ઝડપે વાવાઝોડુ આવી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.