Cyclone Biparjoy Gujarat IMD update : જેમ જેમ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત ઉપર સંકટના વાદળો વધારે ઘેરા બનતા જાય છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. અને હજારો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે બિપરજોય વાવાઝોડું 15 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. લગભગ 24 કલાક જેટલો સમય બિપરજોય વાવાઝોડું ગુજરાતની ધરતી પર રહેશે. વાવાઝોડા સામે લડવા માટે હવે આર્મીની ટીમ પણ મેદાનમાં ઉતરી છે. તમામ મેડકલ સુવિધાઓથી સજ્જ થઈને આર્મીની ટીમ દ્વારકા પહોંચી છે.
સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર પોલીસ પેટ્રોલિંગથી લઇને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં રહેતા લોકો ભયમાં હોય એવું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા બિલેટીન પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે.