Cyclone Biparjoy: ગુજરાતમાં ભયંકર બિપરજોય ચક્રવાતનું સંકટ ઉભું થયું છે. દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દ્વારકામાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સંજોગોમાં દ્વારકા મંદિરમાં એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે.
બે ધજા ચઢાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા
દ્વારકાધીશ મંદિર પર એક સાથે બે ધજા ચઢાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આવનારું સંકટ ટળી જાય છે. આ લોક માન્યતાને પગલે જગત મંદિર પર હાલ બે ધજા ફરકી રહી છે. આ પહેલા 2021ના મે મહિનામાં તાઉતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિર પર બે ધજા એકસાથે ચઢાવવામાં આવી હતી. ત્યારે સંકટ ઓછું થયું હતું.
આ પણ વાંચો – ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ, બંદરો માટે કેટલા વોર્નિંગ સિગ્નલ હોય છે અને તેમનો અર્થ જાણો
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ટ્વિટ કર્યું હતું કે જગતના નાથ સૌને ઉગારે એ જ પ્રાર્થના સાથે જગતમંદિર પર બે ધજા ફરકાવાઈ. સંભવિત ચક્રવાત સામે હરહંમેશની જેમ જ દ્વારકાધીશ સૌનું રક્ષણ કરશે.
રોજ 5 ધજા ચઢે છે
દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીન દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે પરંતુ દ્વારકા મંદિરમાં એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે.
અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસનું કામ છે. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા ચઢાવવામાં આવે છે. પરંતુ તે ઓછી હાઈટ પર ચઢાવાય છે. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે.