Panchmahal Godhra Highway Accident : રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ફરી એકવાર સતત સામે આવી રહી છે. આજે વહેલી સવારે ગોધરા દાહોદ હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક બાળક સહિત બે લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.
દાહોદ ગોધરા હાઈવે પર ગઢચુંદરી ગામ પાસે અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ ગોધરા હાઈવે પર ગઢચુંદરી ગામ નજીક એક લક્ઝરી બસ ઉભી હતી તે સમયે પાછળની અન્ય બસે તેને ટક્કર મારી હતી, જેમાં ટક્કર મારનારી બસના ચાર મુસાફરોના સ્થળ પર જ મોત થયા હતા, આ સિવાય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 17 જેટલા પેસેન્જરને નાની મોટી ઈજા પહોંચી છે. પોલીસે સ્થળ પર પહોંચી મામલો સંભાળી લીધો છે, મૃતકોને પીએમ માટે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના વહેલી સવારે સર્જાઈ હતી.
કેવી રીતે અને કેમ બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો
વિગતે ઘટનાની વાત કરીએ તો, દાહોદ ગોધરા હાઈવે પર ગડચુંદરી ગામ પાસે પરવડી ચોકડી નજીક એક ખાનગી બસમાં ખામી સર્જાતા તેના રીપેરીંગ કામ માટે ઉભી રાખવામાં આવી હતી, આ સમયે વહેલી સવારે અન્ય એક ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઉભેલી બસને પાછળથી ટક્કર મારી હતી અને બસ ખાડામાં જઈ પડી હતી, જેને પગલે બસમાં બેઠેલા મુસાફરોની ચીસો ગુંજી ઉઠી હતી, અને ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
બે બાળક, એક મહિલા સહિત ચારના મોત
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અને સ્થાનિકોએ 108ની મદદથી ઘાયલોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં એક બે વર્ષના બાળક અને મહિલાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 17 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો – ગાંધીનગર : રાંધેજા-પેથાપુર રોડ પર કાર અકસ્માત, માણસાના પાંચ પિતરાઈ ભાઈનો એક સાથે મોતથી આક્રંદ
પોલીસ અનુસાર, ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી બસ વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે એક બાળક સહિત બે લોકોની હાલત ગંભીર હોવાથી વડોદરા ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરૂષ સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે એક બાળક અને પુરૂષને વધારે ઈજા પહોંચતા હાલત ક્રિટિકલ છે. હાલમાં પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા છે. આ સિવાય અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી મૃતકોના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.





