Santrampur Parthampur Election Booth Hijack attempt Video Viral : લોકસભા ચૂંટણી માટે 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતુ, જેમાં ગુજરાતની 25 લોકસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં 6 જગ્યાઓ પર ફરિયાદને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, ત્યારે દાહોદ લોકસભા બેઠક પર મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગ પ્રયાસની ઘટના સામે આવી છે, જેમાં એક યુવક દ્વારા કર્મચારીઓ સાથે દાદાગીરી કરી ઈવીએમ હાઈઝેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતા સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગ કરવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા બૂથ પર ઈવીએમ મશિન હાઈજેક કર્યું, અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો. વીડિયોમાં યુવક પોતાનું નામ વિજય ભાભોર હોવાનું જણાવી રહ્યો છે, અને બૂથ પર દાદાગીરી સાથે ઈવીએમ પર કબજો કરી રહ્યો છે.
શું છે પૂરો મામલો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં એક યુવક ઈલેક્શન બૂથ પર દાદાગીરી સાથે ઉભો છે, અને ઈવીએમ પર કબજો જમાવી બેઠો છે, તે જે પણ મતદાન કરવા આવે તેને કહી રહ્યો છે, જાઓ બટન હું દબાવી દઉ છુ. તે વીડિયોમાં કહી રહ્યો છે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.
વીડિયોમાં શું કહી રહ્યો છે, વિજય ભાભોર
વીડિયોમાં સાંભળવા મળે છે તે મુજબ યુવક બૂથ પર ફરજ બજાવતા કર્મચારીઓને કહી રહ્યો છે કે, ‘બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું, ચાલવા દો આવી રીતે જ ચાલે, અહીં બીજેપી જ ચાલે છે, આપડુ જ ચાલે વિજય ભાભોરનું, મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ, તમે ત્યાં પતાવો, મે દબાવી દીધુ તમારા માટે બટન…, અહીં એક જ ચાલે વિજય ભાભોર’
તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી
આ વીડિયોમાં યુવક દ્વારા બૂથ પર અને ઈવીએમ પર રીતસરનો કબજો કરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. સંતરામપુર પ્રાંત ઓફિસર (એસ.ડી.એમ) સી વી પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફરિયાદ બાદ તપાસના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ ફરીયાદ નોંધી યુવકની કરશે અટકાયત
સ્થાનિક સૂત્રો અનુસાર, વીડિયોમાં દેખાતો યુવક વિજય ભાભોર ભાજપ કાર્યકર અને સંતરામપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે. સંતરામપુર પોલીસ ઈન્સપેક્ટરે ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંતરામપુર પરથમપુર ચૂંટણી બૂથ મામલે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે વાયરલ વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ કરી અટકાયત માટે ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે.