Deesa factory blast case : ડીસામાં આવેલા ઢુંવા રોડ ઉપર આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં મંગળવારે બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. જેમાં મધ્ય પ્રદેશથી નોકરી માટે આવેલા 21 શ્રમીકોના મોત નીપજ્યા હતા. મધ્ય પ્રદેશના શ્રમીકોના મૃતદેહો લઈને એમ્યુલન્સનો કાફલો પોલીસ પાયલોટિંગ સાથે ડીસાથી મધ્ય પ્રદેશ જવા માટે રવાના થયો છે.
પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો એમપી માટે રવાના
મળતી માહિતી પ્રમાણે ડીસા ફેક્ટરી આગમાં મધ્ય પ્રદેશના શ્રમીકોના મોત થયાની જાણ થતાં એમપીના અધિકારીઓ મૃતદેહોને લેવા માટે આજે બુધવારે સવારે 5 વાગ્યે ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સવારે 8:15 વાગ્યા આસપાસ પોલીસ પાટલોટિંગ સાથે મૃતદેહો લઇ એમ્બ્યુલન્સનો કાફલો મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો.ઉલ્લેખનીય છે કે એક એમ્બ્યુલન્સમાં બબ્બે શબપેટી મુકવામાં આવી હતી.
કલેક્ટર મિહિર પટેલે શું કહ્યું?
આજે મૃતદેહો લઈ જતી વખેત બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિવાજનોએ મૃતકોની ઓળખ કર્યા બાદ મૃતદેહો વતન મધ્ય પ્રદેશ રવાના કરાયા છે.મૃતકોમાં મધ્ય પ્રદેશના દેવાસ અને હરદા જિલ્લાના રહેવાશી હતા.
મધ્ય પ્રદેશના મંત્રી નગરસિંહ ચૌહાણ અને સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ અહીં આવ્યા હતા. મૃતકોના પરિવારજનો પણ ડીસા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં મૃતકોની ઓળખ કરીને મૃતદેહોને મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ– ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ, મૃત્યુઆંક વધીને 21 થયો, પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી
આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ
મળતી માહિતી પ્રમાણે 21 શ્રમીકોના મોતના આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દિપક મોહનાની LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખૂબચંદના ભાઇ જગદીશ મોહનાનીની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.