પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ધાટન કર્યું છે. આ સિવાય પીએમ મોદી ગુજરાતમાં 15 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આ અંતર્ગત આજે તેમણે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે સંબોધન પણ કર્યું. તેમણે ભારતીય સ્વદેશી રક્ષા સાધનોના ઉત્પાદનની માહિતી આપી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે તેમના સંબોધનમાં કહ્યું કે, ભારતીય ડિફેન્સ ઉત્પાદકો પર વિશ્વના અનેક દેશ ભરોસો કરી રહ્યા છે. ભારતનું ડિફેન્સ એક્સપો 8 ટકા વધ્યું છે. ભારત હાલમાં 75થી વધુ દેશોને રક્ષા સાધનો બનાવી એક્સપોર્ટ કરી રહ્યું છે. પહેલા આપણે બહારના દેશોની લાવવા પડતા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સપોમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મહેમાનોને કહ્યું કે, ભારત અને આફ્રિકા વચ્ચે વર્ષો જુનો સંબંધ છે. આફ્રિકામાં પહેલી ટ્રેન ચાલી હતી તેમાં કચ્છના કારીગરોએ કામ કર્યું, આફ્રિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે, ત્યાંની દુકાનો જુઓ તો પણ ગુજરાતીઓના કારણે તમને એક સરખી જોવા મળશે. મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ભારતે કોરોના કાળમાં દક્ષિણ આફ્રિકાને વેક્સીન પુરી પાડી, આ રીતે ભારત અને દક્ષિણ આફ્રિકાને ગાઢ સબંધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ડિફેન્સ એક્સપોમાં સ્વદેશી ઉપકરણો છે, ભારતે પહેલી વખત 450થી વધુ એમઓયુ સાઈન કર્યા છે. તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં ડિફેન્સ એક્સપોને 5 બિલિયન સુધી લઇ જવા માટે ભારત તત્પર છે. ભારતના સ્વદેશી ફાઈટર પ્લેન અને ભારતની બ્રહ્મોસ મિસાઈલ વિશ્વના દેશોમાં ખુબ પસંદ આવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય ડિફેન્સ ઉત્પાદક કંપનીઓ આજે વૈશ્વિક પુરવઠો પુરો પાડવાનો મહત્ત્વપૂર્ણ ભાગ બની રહી. ડિફેન્સ ઉદ્યોગ ક્ષેત્રે, નવું ભારત ઉદ્દેશ્ય, નવીનતા અને અમલીકરણના મંત્ર સાથે આગળ વધી રહ્યું.
ગાંધીનગર હોટલ લીલા ભાસે આજે સાંજે 7 કલાકે ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વદેશી ડ્રોન અવનવી આકૃતિઓ લેજર શો દ્વારા બનાવશે, તમને જણાવી દઈએ કે, તારીખ 22-10-2022 સુધી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો 2022 યોજાઈ રહ્યો છે, જે લોકો નિહાળી શકશે.