/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/drowning-incident-in-gujarat.jpg)
ગુજરાતમાં અલગ-અલગ ઘટનામાં કુલ 8 લોકોના ડૂબી જવાથી મોત થયા છે (પ્રતિકાત્મક તસવીર)
Dhuleti 2024 : ધૂળેટીના દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, યુવાનો મન મુકીને એકબીજાને રંગોથી રંગી દીધા હતા. જોકે ધૂળેટીનો દિવસ રાજ્યમાં કેટલાક પરિવારો માટે અમંગળ સાબિત થયો હતો. રાજ્યમાં અલગ-અલગ ઘટનામાં કુલ 8 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ધૂળેટી રમ્યા પછી ન્હાવા જતા આ ઘટના સામે આવી છે.
તળાજાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત
ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. મણાર ગામ પાસે આવેલ ચેકડેમમાં ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - મંદિરોમાં રંગોત્સવ, પાર્ટી પ્લોટોમાં રેઈન ડાન્સ, તો શેરી-સોસાયટીમાં રંગારંગનો ઉલ્લાસ
વડતાલ ખાતે ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં 5 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ડૂબતા બચાવી લેવામાં આવ્યા હતા. ધૂળેટીના તહેવાર પર 12 વિદ્યાર્થીઓના ગૃપ સાથે આવેલા 5 વિદ્યાર્થીઓ વડતાલના ગોમતી તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં ન્હાવા પડેલા વિદ્યાર્થીઓનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ 2 વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 3નાં મોત નિપજ્યા હતા.
પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. યુવકો ધૂળેટીનું પર્વ મનાવી ન્હાવા માટે બાલારામ નદીમાં ગયા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે. સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us