BAPS Swaminarayan Mandir : મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં દીપોત્સવી પર્વની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મહાપૂજા અને ચોપડાપૂજન વિધિ કરાવવામાં આવી હતી, જેમાં 4000 કરતાં વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.
મંદિરને રોશનીથી શણગાર્યા
દિપોત્સવી પર્વે મંદિરને ખૂબ સુંદર રોશની અને શણગાર કરવામાં આવ્યા હતા. દીવડાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા 21 મે, 1950ના રોજ અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે (હાલ યજ્ઞપુરુષ પોળ) પ્રમુખસ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેની સ્મૃતિમાં આ વર્ષને ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – જો ઘરમાં રાખી છે માતા લક્ષ્મીની આવી મૂર્તિ, તો તરત હટાવી દો, ધનની દેવી થઇ જશે નારાજ
આગામી વર્ષમાં કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે એવી પ્રાર્થના સાથે દર વર્ષે ભક્તો પોતાના આર્થિક હિસાબો લખવા માટેના ચોપડાઓ પર ભગવાનની દ્રષ્ટિ કરાવે તેમજ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષનો વ્યાવહારિક કાર્યોનો પ્રારંભ કરે તેવી ચોપડાપૂજનની ભારતીય સાંસ્કૃતિક પરંપરા છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત સૌ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
22 ઓકટોબરે અન્નકૂટના દર્શન થશે
22 ઓકટોબર, બુધવારના રોજ ઠાકોરજી સમક્ષ યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી થશે. સાથે સાથે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિના અજવાળાં પ્રસરાવી રહેલાં મહંત સ્વામી મહારાજના કાર્યોને પ્રસ્તુત કરતી પ્રદર્શની ‘પ્રમુખ સ્વામીના પગલે પગલે’ નિહાળવાનો અવસર પણ પ્રાપ્ત થશે.